કરાચી: પાકિસ્તાનમાં 150 વર્ષ જૂના હિન્દુ મંદિરને તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. મામલો કરાચીનો છે. અહીંના પ્રાચીન હિંદુ મંદિરને જૂનું અને જોખમી સ્ટ્રક્ચર જાહેર કરીને તોડી પાડવામાં આવ્યું છે, જેના કારણે હિંદુ સમુદાયમાં રોષ ફેલાયો છે. વાસ્તવમાં, કરાચીના સોલ્જર બજારમાં આવેલ મરી માતાના મંદિરને શુક્રવારે મોડી રાત્રે ભારે પોલીસ દળની હાજરીમાં બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, વિસ્તારના જૂના હિંદુ મંદિરોની સંભાળ રાખનારા રામનાથ મિશ્રા મહારાજે કહ્યું, “તેઓએ (અધિકારીઓએ) વહેલી સવારે આ કર્યું અને અમને ખબર ન હતી કે આવું થવાનું છે.”
નજીકના શ્રી પંચ મુખી હનુમાન મંદિરના રખેવાળ મિશ્રાએ જણાવ્યું હતું કે, બુલડોઝરોએ મંદિરની બહારની દિવાલો અને મુખ્ય દરવાજાને અકબંધ રાખ્યા હતા, પરંતુ તેઓએ અંદરની આખી સંરચનાને તોડી પાડી હતી. આ મંદિર લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેના પ્રાંગણની નીચે ખજાનો દટાયેલો છે. આ મંદિર, જે લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. વર્ષોથી તે ભૂમાફિયાઓ અને બિલ્ડરોના નિશાને છે.
નાના ઓરડામાં મૂર્તિઓ ખસેડી
સ્થાનિક પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું કારણ કે સત્તાવાળાઓ દ્વારા તેને જોખમી સ્ટ્રક્ચર જાહેર કરવામાં આવ્યું હતું. આ મંદિર કરાચીના મદ્રાસી હિંદુ સમુદાય દ્વારા ચલાવવામાં આવતું હતું, જે સંમત હતા કે માળખું ખૂબ જૂનું અને જોખમી હતું. મંદિરના મેનેજમેન્ટે અનિચ્છાએ પરંતુ અસ્થાયી રૂપે મોટાભાગના દેવી-દેવતાઓની મૂર્તિઓને નાના રૂમમાં સ્થાનાંતરિત કરી, જ્યાં સુધી તેઓ ત્યાં રિનોવેશનનું કામ ન કરી શકે.
બનાવટી દસ્તાવેજો પર ડેવલપરને જમીન વેચી
આ વિસ્તારના હિંદુ સમુદાયના નેતા રમેશે જણાવ્યું હતું કે, મંદિરના મેનેજમેન્ટ પર થોડા સમય માટે જગ્યા ખાલી કરવાનું દબાણ હતું કારણ કે જમીન બનાવટી દસ્તાવેજો પર એક બિલ્ડરને વેચવામાં આવી હતી. જે પ્લોટ પર કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવા માગે છે.
હિંદુ સમુદાયે પાકિસ્તાન-હિંદુ કાઉન્સિલ, સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહ અને સિંધ પોલીસના મહાનિરીક્ષકને તાકીદના ધોરણે આ મામલાની નોંધ લેવા અને તપાસ કરવા અપીલ કરી છે. જણાવી દઈએ કે કરાચીમાં ઘણા પ્રાચીન હિન્દુ મંદિરો આવેલા છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. પાકિસ્તાનની મોટાભાગની હિન્દુ વસ્તી સિંધ પ્રાંતમાં સ્થાયી છે જ્યાં તેઓ મુસ્લિમ રહેવાસીઓ સાથે સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષા શેર કરે છે.
ADVERTISEMENT