ઉત્તર પ્રદેશ: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) કેમ્પસમાં રખડતા શ્વાનોએ એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રવિવારે સવારે વૃદ્ધની લાશ મળી આવતા સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વૃદ્ધ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ત્યારે કેમ્પસમાં જ રહેતા શ્વાનોએ તેમના પર હુમલો કર્યો. માહિતી મળતા પોલીસ પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
ADVERTISEMENT
મોર્નિંગ વોક માટે નીકળેલા વૃદ્ધ પર હુમલો
રવિવારે સવારે AMU કેમ્પસમાં એક વૃદ્ધની લાશ પડી હતી. આ જાણકારી પોલીસને આપી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પોલીસ પહોંચી અને આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી. એવું કહેવાઈ રહ્યું છે કે જિલ્લાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી 65 વર્ષીય ડૉ. સફદર અલી સવારે લગભગ 6.30 વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.
10-12 કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો
આ દરમિયાન લગભગ 10-12 કૂતરાઓના ટોળાએ તેના પર હુમલો કર્યો. શ્વાનોએ સફદરની બચકા ભરી ભરીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવ્યું છે કે મૃતદેહની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ડોગ સ્ક્વોડ, ફિલ્ડ યુનિટ અને ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક અને ફિલ્ડ યુનિટની ટીમે સ્થળ પરથી સેમ્પલ લીધા છે.
પોલીસ મોતનું કારણ શોધી રહી છે
એસપી સિટી કુલદીપ સિંહ ગુણવતે જણાવ્યું કે, નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજમાં જાણવા મળ્યું છે કે મૃતક પર રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. સંભવતઃ મૃત્યુ કૂતરાના હુમલાથી થયું હોવાનું જણાય છે, તેમ છતાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT