Industrial Smart Cities: કેન્દ્રીય કેબિનેટે 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ 10 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર અને 30 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળવાની સંભાવના છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ (NIDCP) 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી
તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 28,602 કરોડ રૂપિયા થશે. તેમાં 1.52 લાખ કરોડના રોકાણની ક્ષમતા હશે. તેમણે કહ્યું કે આ ઔદ્યોગિક સ્માર્ટ સિટી નેશનલ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ (NIDCP) હેઠળ બનાવવામાં આવી રહ્યા છે. આ યોજના દ્વારા 10 રાજ્યોને આવરી લેવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સરકાર આ પ્રોજેક્ટ્સ પર 28,602 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેબિનેટે નેશનલ ઈન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવાની મંજૂરી આપી છે. આ ઔદ્યોગિક વિસ્તારો ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિઘી, કેરળના પલક્કડ, યુપીના આગ્રા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના ઝહીરાબાદ, આંધ્ર પ્રદેશના ઓરવાકલ અને કોપાર્થીની સાથે જ રાજસ્થાનના જોધપુર-પાલીનો વિકાસ કરવામાં આવશે. આ ઔદ્યોગિક કેન્દ્રોમાં 1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે.
1.52 લાખ કરોડના રોકાણની સંભાવના
વૈષ્ણવે જણાવ્યું હતું કે સૂચિત 12 સ્માર્ટ ઔદ્યોગિક શહેરો લગભગ રૂ. 1.52 લાખ કરોડના રોકાણની તકો પેદા કરશે. તેમણે કહ્યું કે આ પગલું દેશના ઔદ્યોગિક પરિદ્રશ્યને બદલી નાખશે અને ઔદ્યોગિક માળખાં અને શહેરોનું એક મજબૂત નેટવર્ક તૈયાર કરશે. જે આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નોંધપાત્ર રીતે વેગ આપશે.
ADVERTISEMENT