Patiala Birthday Cake: પંજાબના પટિયાલામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેક ખાતા બાદ બર્થ ડે ગર્લનું મૃત્યુ થતાં જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. આ મામલે પોલીસનું કહેવું છે કે કેક ક્યાંથી આવી હતી તેની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઓનલાઈન મંગાવવામાં આવી હતી કેક
ખરેખર, માનવી નામની 10 વર્ષીય દીકરીનો જન્મદિવસ હતો. જેથી પરિવારજનોએ જન્મદિવસ પર ઓનલાઈન કેક મંગાવી હતી. જેને માનવીએ પરિવારની સાથે મળીને કાપી હતી અને ખાધી હતી. જે બાદ સવારે લગભગ 3-4 વાગ્યે માનવીને ઉલટી થવા લાગી. આ જોઈને પરિવારજનો ડરી ગયા અને માનવીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા.
કેકના કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ
હોસ્પિટલમાં તબીબોએ માનવીને મૃત જાહેર કરી. પરિવારજનોનું કહેવું છે કે કેક ઓનલાઈન મંગાવવામાં આવી હતી, જેના કારણે બાળકીનું મોત થયું. પરિવારના સભ્યોના નિવેદનના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે પરિવારજનોમાં આરોગ્ય વિભાગ પ્રત્યે ભારે નારાજગી છે.
ઝોમેટોથી ઓર્ડર કરી હતી કેક
પટિયાલાના અમન નગરના રહેવાસી કાજલે પોલીસને જણાવ્યું હતું કે, 24 માર્ચે તેમની પુત્રી માનવીનો જન્મદિવસ હતો. પરિવારે ઝોમેટોથી કાન્હા કેક શોપમાંથી કેકનો ઓર્ડર કર્યો હતો જે પછી સાંજે તેનો બર્થડે ઉજવાયો હતો. બર્થડેના દિવસે માનવીએ કેક કાપ્યાં બાદ ખાધી હતી જે પછી તેને ઉલટીઓ થવા લાગી હતી તથા પરિવારના 4 સભ્યોની પણ તબિયત ખરાબ થઈ હતી. જે બાદ માનવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસે કહ્યું- અમે તપાસ કરી રહ્યા છીએ
પરિવારજનોનું કહેવું છે કે અમારા ઘરે જે કેક મંગાવવામાં આવી હતી તેની પણ તપાસ થવી જોઈએ. બીજી તરફ દુકાનદારે તેની દુકાનમાંથી કેક ગઈ ન હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ દરમિયાન પોલીસ અધિકારી સુરિન્દર સિંહે કહ્યું કે અમે હજુ તપાસ કરી રહ્યા છીએ કે કેક ક્યાંથી આવી. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT