અમદાવાદ: ગઈકાલે અમદાવાદની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા પર કેટલાક વચનો આપ્યા હતા. જેના પર આજે આમ આદમી પાર્ટીના યુવરાજસિંહ પ્રહાર કર્યો હતો અને કોંગ્રેસ પાર્ટીએ AAPના મુદ્દાઓને જ તેમના પ્રચાર અભિયાનમાં કોપિ પેસ્ટ કર્યા હોવાનું જણાવી દીધું હતું. જ્યારે આગામી ચૂંટણી લડવા મુદ્દે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
‘કોંગ્રેસે AAPની ગેરંટી કોપિ કરી’
યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના વચનો પર કહ્યું કે, જે પાર્ટીનું હવે અસ્તિત્વ જ નથી રહ્યું, તે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અમે અગાઉ કરી છે તે જ વાત કરી રહ્યા છે. AAPની ગેરંટી કાર્ડને કોપિ પેસ્ટ કરીને જાહેરાત કરી રહ્યા છે. અમારી વાત સામાન્ય જનતાએ સ્પર્શતા મુદ્દાઓ પર હતી. સામાન્ય જનતાએ તેને સ્વીકારી છે, તેમાં સૂર પૂરાવ્યો છે એટલે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેઓ પણ અમારા જેમ વાત કરે છે. તેઓ વિરોધ પક્ષમાં હતા ત્યારે તેમની પાસે 78 ધારાસભ્યો હતા. તેઓ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં સતત નિષ્ફળ રહ્યા છે.
ચૂંટણી લડશે યુવરાજસિંહ જાડેજા?
તેમણે વધુમાં કહ્યું કે, મારે જે કામ કરવું છે તે સામાન્ય જનતાના મુદ્દા સોલ્વ કરવા છે. ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે. મારી બંને માટે તૈયારી છે. પરંતુ જ્યાં જ્યાં મારી જરૂરિયાત પડે, હું પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા છું મારાથી બનતા પ્રયાસ કરીશ. પાર્ટી નિર્ણય લેશે તો તે કહે ત્યાંથી લડીશ. હું દરેક જગ્યાએ લડવા માટે તૈયાર છે. હાલના શિક્ષણમંત્રી સામે લડવાનું થાય તો પણ હું તૈયાર છું.
11 દિવસમાં રોજ 2000 યુવાઓ AAPમાં જોડાયા
નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાએ છેલ્લા 11 દિવસમાં ચાર જિલ્લાઓમાં કાઢેલી રોજગાર યાત્રા વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અમે રોજના એવરેજ 2000 જેટલા યુવાઓને AAPમાં જોડ્યા છે. રોજગારીના પ્રશ્નો છે તે ચાર વર્ષથી ઉકેલાયા નથી તથા ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર નથી મળ્યા. અમે આ વિદ્યાર્થીઓ સાથે ઊભા છીએ અને તેમને જરૂર પડે મદદ કરવાની ખાતરી આપી હતી.
ADVERTISEMENT