અમદાવાદ: હાલમાં જ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પર એક વિવાદીત નિવેદન આપ્યું હતું. જે બાદ નીતિન પટેલે રોષે યુવરાજસિંહના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને માફી માગવાની માગણી કરી હતી. આ વિશે ડીસામાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા યુવરાજસિંહે આજે પ્રતિક્રિયા આપી હતી.
ADVERTISEMENT
યુવરાજસિંહે શું કહ્યું?
યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, ચોક્કસ પણે આપ અમારા કાકા છો. હું તમને કાકા માનું છું. હુ તમારો ભત્રીજો થાઉં. તમે માફી માગવાનું કહેતા હોય તો મને જરાપણ નાનપનો અનુભવ નહીં થાય. નીતિન કાકા પર મને બહુ શ્રદ્ધા છે. અને એક મુખ્યમંત્રી બનવા લાયક વ્યક્તિને જે રીતે સાઈડલાઈન કરી દેવામાં આવ્યા તેનું દુઃખ છે.
નીતિન કાકા કહી રહ્યા હતા કે યુવરાજસિંહ માફી માગે. તો હું નીતિન કાકા આપને કહેવા માગું છું કે તમે જે આ 12-12 વખત પેપર ફૂટ્યા શું તેની માફી માગશો. જે અત્યારે યુવાનાના ભવિષ્ય સાથે ચેડાં થયા તેની માફી માગશો? શું આટલા ભ્રષ્ટાચાર થયા તેની માફી માગશો. હું તો નાનો છું રાજનીતિમાં પાપા પગલી કરું છું. મને એવી જરા પણ મોટપ નથી હું માફી માગવા તૈયાર છું. જો સરકાર આ બધા જ મુદ્દે માફી માગી લે તો અમે તૈયાર છીએ.
નીતિન પટેલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
આ વિશે Gujarat Takએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનો સંપર્ક કરીને તેમની પ્રતિક્રિયા જાણવા માટે પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહના નિવેદન વિશે પૂછતા તેમણે, સારું… સારું કહીને ફોન કટ કરી દીધો હતો. આ તેમણે સીધી રીતે આ વિશે કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
યુવરાજસિંહ આપ્યું હતું અગાઉ વિવાદીત નિવેદન?
નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાએ નિતિન પટેલના ગાય સાથે અકસ્માત મુદ્દે નિવેદન આપ્યું હતું કે, નીતિન પટેલે ગુજરાતના 2 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યુ હતુ. જે તેમણે પાળ્યુ નથી. આથી યુવાનોનો નિ:સાસો તેમને નડ્યો હતો.
ADVERTISEMENT