રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. સવારમાં સિવિલ કેમ્પસના OPD પાસે પાણીની ટાંકી પર દારૂની 11 જેટલી બોટલો સાથે એક યુવક દેખાયો હતો. સ્થાનિકોએ સિક્યોરિટીને જાણ કર્યા બાદ પોલીસને આ મુદ્દે જાણ કરવામાં આવી હતી. ત્યારે પ્રદ્યુમન નગર પોલીસે સ્થળ પર પહોંચીને વિદેશી દારૂની બોટલો સાથે યુવકની અટકાયત કરી હતી. જેમાં વધુ પૂછપરછ કરતા એક વસાહતના ખંઢેર મકાનમાંથી દારૂની 3 પેટીઓ મળી આવી હતી.
ADVERTISEMENT
ઈમરજન્સી વોર્ડ પાસે પાણીની ટાંકી પર દારૂ સાથે ઊભો હતો યુવક
વિગતો મુજબ, વહેલી સવારે રાજકોટ સિવિલના ઈમરજન્સી વોર્ડ પાસેની ટાંકી પર વિદેશી દારૂની બોટલો સાથે એક વ્યક્તિ ઊભો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચીને તપાસ કરતા કમલેશ નામના યુવક પાસેથી 11 વિદેશી દારૂની બોટલો મળી હતી. યુવકને પોલીસ સ્ટેશને લઈ જઈને વધુ પૂછપરછ હાથ ધરાતા તેની માહિતીના આધારે વસાહતના એક મકાનમાંથી વધુ 3 દારૂની પેટીઓ મળી આવી હતી. ત્યારે દારૂ સાથે હોસ્પિટલ પહોંચેલા યુવકને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે.
રાજકોટ સિવિલ ફરી વિવાદમાં સપડાઈ
યુવકે દારૂનું કટિંગ કરવા માટે હોસ્પિટલ જ કેમ પસંદ કરી? શું હોસ્પિટલમાં જ કોઈને દારૂ સપ્લાય કરવાનો હતો. કમલેશની હાલત જોઈને તે રસ્તા પર રહીને જીવન ગુજારતો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. ત્યારે તેની પાસે આટલો બધો દારૂનો જથ્થો કેવી રીતે આવ્યો અને આ દારૂ કોનો હતો? સહિતના પ્રશ્નોએ હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.
અગાઉ ડોક્ટર દારૂ પીતા પકડાયા હતા
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટ સિવિલના ઈમરજન્સી વોર્ડમાં જ એક ડોક્ટર દારૂ પીતા ઝડપાયા હતા. કોન્ટ્રાક્ટ પરના તબીબ ખુદ એક એક પેગ મારીને પછી દર્દીને તપાસવા જતા હોય એમ વીડિયોમાં દેખાયા હતા. જે બાદ તેના કબાટમાંથી પણ દારૂની બોટલ મળી આવી હતી. જે બાદ આ ડોક્ટરને ફરજમુક્ત કરી દેવામાં આવ્યા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT