દ્વારકા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર મત માગવા જતા નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે દ્વારકામાં ભાજપના ઉમેદવાર એવા પબુભા માણેકની ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થયો હતો. દ્વારકાના ગોકલપરમાં પબુભાની સભામાં કેટલાક યુવાનોએ ધારદાર સવાલો પૂછ્યા હતા, જે બાદ ગુસ્સે થયેલા પબુભાએ યુવકોને તેમણે શાંતિથી પોતાની વાત રજૂ કરવા માટે કહ્યું હતું.
ADVERTISEMENT
દ્વારકામાં પબુભાની સભા હતી
દ્વારકાના ગોકલપર ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પબુભાને રોજગારી મુદ્દે યુવાનોએ ઘેર્યા હતા. 3 જેટલા યુવાનોએ પબુભાને ઘડી કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી તથા વિકાસના મુદ્દે સવાલો કર્યા હતા. જોકે પબુભાના કાર્યકરોએ ત્રણેય યુવાનોને સભા સ્થળથી દૂર લઈ ગયા હતા. જ્યારે ગુસ્સે થયેલા પબુભાએ કહ્યું કે, એ ભાઈ… શાંતિથી વાત કરો ને. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
અગાઉ પણ પબુભાની સભામાં સવાલો ઉઠ્યા હતા
નોંધનીય છે કે, આ પહેલા પણ પબુભાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં સભા દરમિયાન એક યુવક તેમને સવાલ પૂછતા તેઓ અકળાય છે. લોકોની હાજરીમાં જ તેમણે યુવકને ઘઘલાવી નાખ્યો હતો અને તેણે કોંગ્રેસ પાસેથી રોકડા લીધા હોવાનું કહી દીધું હતું. ત્યારબાદ સવાલ કરતા યુવકને ત્યાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જોકે આ વીડિયો પણ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પહેલા નેતાઓનો વિરોધ
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના નેતાઓને ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થઈ ચૂક્યો છે. ખેડબ્રહ્મામાં ભાજપના ઉમેદવાર અશ્વિન કોટવાલનો જ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બીજી તરફ વાવમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં પણ લોકોએ વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT