ગાંધીનગર: અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોયની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બોલાવી.
ADVERTISEMENT
રાજ્યમાં વાવાઝોડાનું સંકટ વધતા જ ગાંધીનગરમાં તંત્ર દોડતું થયું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મિટિંગનો દોર શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી. તેઓએ કંટ્રોલ રૂમમાં ચાલતી કાર્યવાહીની સમીક્ષા કરી. તો દરિયાકાંઠા વિસ્તારના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિનો તાગ મેળવ્યો. રાહત અને બચાવ કાર્યના સંસાધનો અંગે પણ ચર્ચા વિચારણા કરી. એનડીઆરએફની ટીમના ડિપ્લોયમેન્ટના અપડેટ મેળવ્યા. તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં કરેલ તૈયારીની પણ સમીક્ષા મુખ્યમંત્રીએ કરી.
વાવાઝોડાએ બદલેલી સ્થિતિને લઈને સરકારે સતર્કતા વધારી છે. 11.30 વાગ્યે મુખ્યમંત્રી વીડિયો કોન્ફ્રેસથી બેઠક કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કાંઠાના જિલ્લાના કલેક્ટરો સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.ઝીરો કેઝ્યુઅલિટીની નીતિ સાથે અધિકારીને આયોજન કરવા આદેશ આપ્યાં છે.
વાવાઝોડાની રફતાર વધી
અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશા બદલતા હવે ગુજરાત તરફ ખતરો વધ્યો છે. 15 જૂન સુધીમાં ‘બિપરજોય’ ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે. તેની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો. થોડા કલાકોમાં જ વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. વાવાઝોડાંના પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગાંધીનગરમાં હલચલ તેજ થઈ છે. બીજી તરફ વાવાઝોડાનું ગતિ તેજ થઈ છે. હવે 9 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા પોરબંદર,જામનગર ,જૂનાગઢ ,મોરબી અને રાજકોટમાં તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરેવામાં આવી છે.
ADVERTISEMENT