ગૌરવ યાત્રાનો વિરોધ: પાણી મુદ્દે મહિલાઓએ વાસણ વગાડ્યા, AAPએ કહ્યું, આ છે BJPનું ગુજરાત મોડલ

મોરબી: ગુજરાતભરમાં ભાજપ (BJP) દ્વારા પાંચ જેટલી ગૌરવ યાત્રાઓ નીકાળવામાં આવી છે. જેમાં આજે મોરબીના વાંકાનેર ખાતે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ ગૌરવ યાત્રામાં પહોંચ્યા હતા.…

gujarattak
follow google news

મોરબી: ગુજરાતભરમાં ભાજપ (BJP) દ્વારા પાંચ જેટલી ગૌરવ યાત્રાઓ નીકાળવામાં આવી છે. જેમાં આજે મોરબીના વાંકાનેર ખાતે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ ગૌરવ યાત્રામાં પહોંચ્યા હતા. જોકે મહિલાઓ દ્વારા ભાજપની આ સ્વાગત યાત્રામાં પાણી આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. મંત્રી પિયૂષ ગોયલના કાફલા સામે જ મહિલાઓએ ખાલી ઘડા વગાડ્યા હતા. જેને લઈને હવે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યો છે.

દિલ્હીના ધારાસભ્યએ વિરોધનો વીડિયો પોસ્ટ કર્યો
આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય નરેશ બલ્યાને મોરબીની ભાજપની ગૌરવ યાત્રાના વિરોધનો એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે, આ ભાજપનું ગુજરાત મોડલ છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો મોરબીની માતા-બહેનોએ પાણીના વાસણ વગાડીને વિરોધ કરી પીયૂષ ગોયલ પાસે પાણી આપવાની માગણી કરી. કહો આ ભાજપવાળા 27 વર્ષમાં પાણી નથી આપી શક્યા. સવાલ પૂછો તો હિન્દુ-મુસ્લિમ કરવા લાગે છે.

પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓએ ખાલી વાસણ વગાડ્યા હતા
નોંધનીય છે કે, ભાજપની ગૌરવ યાત્રા આજે મોરબીમાં નીકળી હતી. જેમાં મહેન્દ્ર નગર સ્વાગત પોઈન્ટ પર જ સ્થાનિક મહિલાઓએ ખાલી વાસણ વગાડીને કેન્દ્રિય મંત્રીના કાફલા સામે પાણી મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કરવાની વધુ એક તક ઝડપી લીધી હતી અને પાણી મુદ્દે ભાજપ સરકાર પર સવાલો કર્યા હતા.

આ પહેલા મોહન કુંડારીયાનો વિરોધ થયો હતો
આ પહેલા મોરબીમાં જ ભાજપની યાત્રાને વધુ એક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ભાજપની યાત્રાનો રૂટ અચાનક બદલાતા સવારથી નેતાઓનું સ્વાગત કરવા માટે ઊભેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે કેન્દ્રિય મંત્રીની સામે જ ભાજપના સાંસદ મોહન કુંડારીયા હાય… હાય…ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

    follow whatsapp