ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આજે વહેલી સવારથી જિલ્લાના ડિસ્પેચ મથકો પરથી પોતાને ફાળવાયેલા ઇવીએમ મશીન અને મતદાન સામગ્રી લઈને પોતપોતાની ફરજના મતદાન મથકો પર જવા રવાના થઈ ગયા છે.
ADVERTISEMENT
માતા-પિતા બંનેની જવાબદારી નીભાવી પાછા ફરજ પર જોડાયા મહિલા પ્રોફેસર
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘરે દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.
29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ ફરજમાં
તા. 5મી ડિસેમ્બરે 14 જિલ્લામાં 93 બેઠકો માટે 26,409 મતદાન મથકો પર મતદાન થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખ્ખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.
ધ્રાંગધ્રામાં ચૂંટણી સ્ટાફનું અનોખા અંદાજમાં સ્વાગત
મતદાનના પ્રથમ તબક્કામાં અનેરો આનંદ આપે એવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા મતદાન મથકમાં જેમને જવાબદારી સોંપાઈ હતી તે ચૂંટણી સ્ટાફ ફરજ બજાવવા ગયો ત્યારે એ શાળાના ઓરડાના બોર્ડ પર આગંતુક ચૂંટણી કર્મચારીઓને આવકારતી એક સૂચના તે સ્કૂલના શિક્ષકોએ લખી રાખી હતી. જેમાં તેમણે લખ્યું હતું, “શ્રી ભરાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. બુથ-1 અને બુથ-2 ની વચ્ચે લોખંડના દરવાજાવાળા રૂમમાં પાણી-શેતરંજી-ગાદલા વગેરેની સુવિધા રાખેલ છે. જે તમારો ઉતારા રૂમ છે. સામે પાણીની પરબ પાછળ ગરમ પાણી માટેની તમામ વ્યવસ્થા કરેલ છે. (ચુલાની બાજુમાં દિવાલની તિરાડમાં માચીસ છે) કેટલી કાળજી…!!!
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોતાની જવાબદારી સમજીને ચૂંટણી ફરજ પર જોડાયેલા સૌ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માનીને તેમને આવકાર્યા છે. અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુપેરે પાર પાડવા શુભેચ્છાઓ પાઠવી છે. ચૂંટણીની ફરજમાં માનવીય સંવેદનાનું આવું સંમિશ્રણ આ દેશની મહાન લોકશાહી અને તેના જતનની જવાબદારી નિભાવતા સૌ કોઈ પ્રત્યે અહોભાવ ઉજાગર કરે છે.
ADVERTISEMENT