અરવલ્લી: ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન ઘણી જગ્યાઓથી બોગસ મતદાનની ફરિયાદો ઉઠી છે. અરવલ્લીના મોડાસામાં પણ એક મહિલાનો વોટ અન્ય કોઈ વ્યક્તિએ નાખી દેતા ભારે હોબાળો મચ્યો હતો. મહિલાના પરિવાર દ્વારા મતદાન મથક પર બોગસ મતદાનને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યો
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા માલપુર રોડ પર પંડ્યાવાસમાં જશોદાબેન મોચી નામના મહિલા મતદાન કરવા માટે બુથ પર ગઈ હતી. જોકે અન્ય કોઈ વ્યક્તિ પહેલાથી જ તેના નામે વોટ નાખીને જતું રહ્યું હતું. જે બાદ મહિલાના પરિવાર દ્વારા મતદાન મથક પર હોબાળો કરાવામાં આવ્યો હતો. બીજી તરફ મતદાન મથકમાં બેઠેલા સ્ટાફે પણ ઉડાઉ જવાબ આપ્યો અને કહ્યું કે, સવારે તમારા પતિ સાથે મતદાન કરવા માટે કેમ ન આવ્યા? ચૂંટણી સ્ટાફનો આવો જવાબ સાંભળીને લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
હિંમતનગરમાં પણ બોગસ મતદાનની ફરિયાદ ઉઠી
નોંધનીય છે કે, આ પહેલા હિંમતનગરમાં પણ બોગસ મતદાનની ફરિયાદો ઉઠી હતી. સવગઢ વિસ્તારમાં રહેતા યુવાન મતદાન કરવા જતા તેને બુથમાંથી પહેલાથી જ મતદાન થઈ ગયું હોવાનું જાણ થઈ. જોકે યુવાનના હાથ પર શાહીનું નિશાન પણ નહોતું. આવા ચારથી પાંચ લોકો દ્વારા તેમનું અગાઉથી મતદાન થઈ ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી આ મામલે પ્રીસાઈડિંગ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.
(વિથ ઈનપુટ: હિતેશ સુતરિયા)
ADVERTISEMENT