સંજયસિંહ રાઠોડ, સુરતઃ સ્વચ્છ શહેરોમાં ગણના પામનાર સુરતના લોકો ગંદકીના કારણે જ પરેશાન થયા છે. સુરતના વરાછા વિસ્તારમાં લોકોએ જન આંદોલનની ધમકી આપી છે. જેના કારણે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખી લોકોની સમસ્યાના ઉકેલ માટે રજૂઆત કરી છે. જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કુમાર કાનાણી પણ આંદોલન કરશે.
ADVERTISEMENT
દેશના સૌથી સ્વચ્છ શહેરોના સર્વેમાં ગુજરાતમાંથી સુરતે બાજી મારી હતી. સુરત ફરી એકવાર ભારત બીજા નંબરનું સ્વચ્છ શહેર તરીકે ઉભરી આવ્યું હતું. 40 લાખથી વધુની વસ્તી ધરાવતા સૌથી ક્લીન સિટીનો એવોર્ડ સતત ત્રીજા વર્ષે સુરતે જીત્યો હતો. ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ 2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ જ સ્વચ્છ શહેરના વરાછા વિસ્તારમાં લોકો ગંદકીના કારણે પરેશાન થયા છે. વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી છે.
…તો મારે આંદોલન કરવુ પડશે
ધારાસભ્ય કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી. જો લોકો જાણ આંદોલન કરશે તો મારે પણ આંદોલનમાં જોડાવું પડશે.
ધારાસભ્યને પણ ગાંઠતા નથી અધિકારી !
પત્રમાં લખ્યું છે કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે.
ADVERTISEMENT