KKR સામેની મેચમાં 5 છગ્ગા બાદથી યશ દયાળ કેમ મેદાન પર નથી દેખાતો? હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ: ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા વચ્ચેની મેચમાં યશ દયાલ અને રિંકુ સિંહને કોણ ભૂલી શકે. છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને રિંકુ સ્ટાર બની ગયો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા વચ્ચેની મેચમાં યશ દયાલ અને રિંકુ સિંહને કોણ ભૂલી શકે. છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને રિંકુ સ્ટાર બની ગયો હતો. પરંતુ આ મેચ બાદથી યશ મેદાન પર જોવા મળ્યો નથી. આગલી મેચમાં જ ગુજરાતની પ્લેઈંગ ઈલેવનમાં યશનું નામ ન હતું. ઇમ્પેક્ટ પ્લેયરની યાદીમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.

એવી અટકળો ચાલી રહી હતી કે ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના મેદાનની બહાર રહેવાનું સાચું કારણ સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો છે. 25 એપ્રિલે ગુજરાત અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચ બાદ હાર્દિકને યશ દયાલ વિશે સવાલ કરવામાં આવ્યો હતો.

જેના જવાબમાં હાર્દિકે કહ્યું કે, કેકેઆર સામેની મેચથી યશની તબિયત ખરાબ હતી. 10 દિવસમાં તેનું વજન આઠથી નવ કિલો ઘટી ગયું છે. તે અત્યારે ક્રિકેટ રમવાની સ્થિતિમાં નથી. તેને મેદાનમાં પરત ફરવામાં થોડો સમય લાગી શકે છે. જોકે, તે પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે હું કહી શકતો નથી.

એ ઓવરમાં શું થયું?
ચાલો હવે તમને તે ઓવરનો આખો મામલો જણાવીએ. ગુજરાત સામેની મેચમાં KKRને જીતવા માટે 29 રનની જરૂર હતી. યશની ઓવરના પહેલા બોલ પર ઉમેશ યાદવે સિંગલ લીધો હતો. આ બાદના પાંચ બોલમાં રિંકુ સિંહે 5 છગ્ગા માર્યા હતા અને ટીમને જીત અપાવી દીધી હતી.

ભારત A ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે
લેફ્ટ આર્મ બોલર યશ દયાલ ઉત્તર પ્રદેશ તરફથી રમે છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં સારો દેખાવ કર્યો છે. 17 મેચમાં 58 વિકેટ લીધી છે. યશે ટી20 મેચમાં 33 વિકેટ પણ લીધી છે. તેણે વર્ષ 2018માં તેની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. યશ દયાલે ન્યુઝીલેન્ડ A સામે ભારત A ટીમનું નેતૃત્વ પણ કર્યું છે.

ગુજરાત ટાઈટન્સે 3.2 કરોડમાં ખરીદ્યો હતો
તે વિજય હજારે ટ્રોફીની 2021-22 સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોચના 10 બોલરોમાંનો એક હતો. વર્ષ 2022માં IPL માટે યોજાયેલી હરાજીમાં ગુજરાત ટાઇટન્સે યશ દયાલને 3.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે IPL 2022માં ગુજરાત માટે નવ મેચ રમી અને 11 વિકેટ પણ લીધી. આ વર્ષે પણ યશ ગુજરાત ટાઇટન્સ તરફથી IPL રમી રહ્યો છે.

    follow whatsapp