મોરબી દુર્ઘટના: OREVA ગ્રુપ કે રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશન સામે કાર્યવાહી કેમ નહીં?

મોરબી: મોરબીમાં બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ…

gujarattak
follow google news

મોરબી: મોરબીમાં બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં પોલીસ દ્વારા 2 મેનેજર, 2 કોન્ટ્રાક્ટર પિતા પુત્ર, 3 સિક્યોરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની સહિત 9 લોકોની અટકાયત કરી છે. પરંતુ પોલીસની FIRમાં ક્યાંય પણ ઝુલતો બ્રિજ ખુલ્લો મૂકનાર OREVAના માલિક જયસુખ પટેલના નામનો ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યો. બીજી તરફ હજુ સુધી જયસુખ પટેલને પકડવામાં પણ નથી આવ્યા. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો લાગી રહ્યા છે.

પોલીસે કોની સામે ગુનો નોંધ્યો?
મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં આક્ષેપ કરાયો છે કે, બ્રીજનું યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના, યોગ્ય મેનેજમેન્ટ ન કરીને ગંભીર અને નિષ્કાળજી ભરેલા કૃત્યથી ઝુલતા પુર ફરવા આવેલા સામાન્ય નાગરિકોનું મોત નિપજવા તથા શારીરિક ઈજા પહોંચવાની જાણ હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો. જોકે આશ્ચર્યજનક રીતે FIRમાં ઓરેવા ગ્રુપના માલિક, રિનોવેશન કરનાર દેવપ્રકાશ સોલ્યુશનના નામનો કોઈ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.

આ કલમ હેઠળ ગુનો નોંધાયો
સમગ્ર મામલે ઝુલતા પુરનું સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અને એજન્સી વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત ગૃહમંત્રીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં પણ ગુનેગારોના નામ મુદ્દે કશું ન કર્યું. જ્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓનો પણ FIRમાં કોઈ ઉલ્લેખ નથી.

જયસુખ પટેલે મોટી મોટી બડાઈઓ હાંકી હતી
ઓરેવા ગ્રુપના એમ.ડી જયસુખ પટેલે દિવાળીના દિવસે મોરબીના ઝુલતા પુલને ખુલ્લો મુક્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે, મોરબીના આ જુલતા પુલને આગામી 8 થી 10 વર્ષ માટે રીનોવેશનની જરૂર નહીં પડે તે રીતે બનાવવામાં આવ્યું છે. પરંતું 8 થી 10 વર્ષ તો દુરની વાત છે માત્ર 4 થી 5 દિવસની અંદર જ મોરબીનો ઝુલતો પુલ તુટ્યો અને તે પણ એવી રીતે કે 134 લોકોની જીંદગી ભરખી ગયો. આ ઘટના બાદ કોંગ્રેસ દ્વારા જયસુખ પટેલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા શ્રીનિવાસ દ્વારા ટ્વીટ કરીને જયસુખ પટેલને પકડવાની માંગ કરવામાં આવી છે.

તપાસમાં જેના નામ ખુલશે તેની ધરપકડ કરવામાં આવશે
આ અંગે ગઈકાલે મોરબીની દુર્ઘટના અંગે IG અશોક યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તમામ પાસાને ધ્યાને રાખી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે. પ્રથમ તબ્બકા માં 9 આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તપાસમાં જેના નામ ખુલશે તેની ધરપકડ કરવામાં આવશે. ફોરેન્સિક સાઇન્સ, સ્ટ્રકચાર એન્જિનિયરએ તમામ પ્રકારના એક્સપર્ટ ઓપીનિયન હોય તેની પોલીસ દ્વારા સહાય લેવામાં આવી છે. આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે. લોકોને તમામ મદદ કરવામાં આવી છે. 6.30એ ઘટના ઘટી અને 6.40એ પોલીસ પહોંચી ચૂકી હતી.

    follow whatsapp