હેતાલી શાહ, ખંભાતઃ રાજ્યમાં એક બાદ એક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. હવે ખંભાતમાં ONGCના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા.કોન્ટ્રાક્ટર દ્વારા 40 ડ્રાયવરોને છૂટા કરવામાં આવતા રોષ ફેલાયો છે. ડ્રાઈવરોને નોકરી પર પરત લેવાની માંગ કરાઇ છે. ડ્રાઇવરોએ પગાર મુદ્દે વાત કરતા તેમને છૂટા કરી દેવામાં આવ્યા. જેને લઇને ડ્રાઈવરોએ ONGC ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું.
ADVERTISEMENT
ખંભાત ONGC દ્વારા કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરતા 40 ડ્રાઇવરોને એકાએક છુટા કરી દેવામાં આવતા ડ્રાઇવરોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.ગ્લોરીયસ પેટ્રોલિયમ મજદૂર સંઘના નેજા હેઠળ તમામ ડ્રાઇવરોને છુટા કરવામાં આવતા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.ડ્રાઇવરોનું આક્ષેપ છે કે, જ્યારથી નવા કોન્ટ્રાક્ટર આવ્યા છે ત્યારથી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે હાલમાં ડ્રાઇવરોએ પોતાનો ₹300 લેખે અત્યાર સુધીનો 28 હજાર રૂપિયા પગાર માંગતા તેઓને છુટા કરી તેમના સ્થાને 10-10 હજાર રૂપિયા વાળા ડ્રાઇવરોને નોકરી પર રાખી દેતા ડ્રાઇવરોમાં રોષ ફેલાયો છે.
કોન્ટ્રાક્ટર અત્યાચાર કરે છે
આ અંગે ડ્રાઇવર પંકજભાઈ રજાભાઈ રબારી જણાવ્યું કે,”અમારું શોષણ થઇ રહ્યું છે અને અન્યાય થઈ રહ્યો છે જેને લઇને અમે આજે હડતાલ પર બેઠા છીએ.લેબર કોન્ટ્રાક્ટરને કોઈ ગણતુ જ નથી. જગદીશ બારોટ જે મારુતિ ટ્રાવેલ્સનો કોન્ટ્રાક્ટ સંભાળે છે તે અમારા પર અત્યાચાર કરે છે. જગદીશભાઈનું કહેવુ છે કે, મોટા-મોટા મિનિસ્ટરો સાથે તેમને ઓળખાણ છે જે થશે એ જોયુ જશે હું બેઠો છું. સાથે ધમકી પણ ડ્રાઈવરોને આપે છે કે, હું ભ્રષ્ટાચાર કરીશ તો પણ તમારુ કશુ આવશે નહીં. અમને પગાર આપે ઠે 28 હજાર રુપિયા તો પેટલાદની બેંકમાં નાખે છે. ડ્રાઈવર નોકરી ખંભાતમાં કરે અને પૈસા અમદાવાદથી મળે. આજે 12 વાગ્યે પગારના નાણાં પેટલાદની બેંકમાં પડ્યા હોય તો ડ્રાઈવર 12.30 વાગ્યે અમદાવાદ જઈને કેવી રીતે ઉપાડી શકે. અનેક રજૂઆતો કરી છતા પગાર સમય પર મળતો નથી અને આ સમસ્યાનું કોઈ સમાધાન પણ આવ્યું નથી. હવે પંકજભાઈ કહી રહ્યા છે કે હજુ કંઈ નહીં થાય તો અમે હડતાળ યથાવત રાખીશું અને આત્મવિલોપન કરીશું.
ક્યારેય PFનો લાભ પણ મળ્યો નથી
તો ડ્રાઇવર બાબુભાઈએ જણાવ્યું હતું કે,”હું છેલ્લા 20 વર્ષથી ONGCમાં ડ્રાઇવર તરીકે નોકરી કરું છું.અમને અત્યાર સુધીમાં જે પણ કોન્ટ્રાક્ટરો આવ્યા તે બધાથી અમને અમારો પગાર મળ્યો છે.જેનાથી અમે અત્યાર સુધી ખુશ હતા પરંતુ,છેલ્લે અમદાવાદનો જગદીશ બારોટનો મારુતિ ટ્રાવેલ્સનો કોન્ટ્રાક્ટ આવ્યો,ત્યાર બાદ અમને કહેવામાં આવ્યું કે, 10,000 રૂપિયામાં તમારે નોકરી કરવી હોય તો જ કંપનીમાં રહો નહીંતર અમે છુટા કરી દઈશું.તો અમે તો 20 વર્ષથી નોકરી કરીએ છીએ. આજ સુધી અમને ક્યારેય PFનો લાભ પણ મળ્યો નથી છતાં અમે લોકો નોકરી કરતા હતા, કેમ કે અમારે પણ ઘર ચલાવવાનું હતું. તો સાથે મીડિયાના મિત્રોને પણ ડ્રાઈવરો વિનંતી કરી રહ્યાં છે કે તેમનો અવાજ ક્યારેય કોઈ સાંભળતુ નથી. આરએમસીમાં ગયા, સંસદ સભ્ય પાસે ગયા પણ આજે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે અમારો અવાજ સત્તાના લાલચુ લોકો સુધી પહોંચે. અમે 40 ડ્રાઈવરો ફરી નોકરી પર ચઢી જઈએ તો અમારા છોકરાનું ભણતર સારી રીતે ચાલી શકે. અત્યારે ચાલુ ભણતરે બાળકોને ઘરે બેસાડી દેવા પડ્યાં છે. જીંદગીના 20 વર્ષ અહીં કાઢ્યા હવે ઉમર થઈ ગઈ હવે ક્યાં નોકરી કરીએ.20 વર્ષથી ડ્રાઈવરનું કામ કર્યું છે બીજુ કોઈ કામ પણ કરી શકીએ એમ નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલિભગત છે. આ ખુબ મોટુ કૌભાંડ છે.અમારુ શોષણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો: સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત, LRD 2022 ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા
ધારાસભ્યોને પણ રજૂઆત કરી
તો ડ્રાઇવર કૈલાશપુરી ગોસાઈ કહી રહ્યા છે કે, “અમે 28 વર્ષથી ONGCમાં નોકરી કરતા હતા.અત્યારે આ કોન્ટ્રાક્ટર નવો આવવાથી અમને છુટા કરવામાં આવ્યા છે. મારુતિ ટ્રાવેલ્સના જગદીશ ભાઈ આવ્યા અને અમને છુટા ક્યા છે. અમારી સમસ્યાએ હતી કે, અમે ₹300 માં નોકરી જોઈન્ટ કરી હતી. અત્યારે હાલની તારીખમાં 28 હજાર રૂપિયા પગાર થયો.અમે એની માંગણી કરીએ માટે એમને છૂટા કરી અને દસ દસ હજાર રૂપિયા વાળા ડ્રાઇવર લાવીને ઓએનજીસીમાં મૂકી દીધા છે. અમે આરએમસીમાં પણ રજૂઆત કરી છે. ધારાસભ્યોને પણ રજૂઆત કરી છે.સાંસદ સભ્યોને પણ રજૂઆત કરી છે.એક વર્ષથી અમે બધાને કહીને થાકી ચૂક્યા છીએ.કોઈ અમારું સાંભળતું નથી.જેથી અમારે આ ગાંધીજીના માર્ગે બેસવાનું નક્કી કર્યું છે.જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય અમને નોકરીએ પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખવા માટે બેઠા છીએ”
આ પણ વાંચો: કપડવંજમાં 20 હજાર રૂપિયાનું થયું ત્રણ લાખ ત્રીસ હજાર વ્યાજ, વ્યાજખોરો સામે પોલીસ કરી આ કાર્યવાહી
મહત્વનું છે કે,ગ્લોરીયસ પેટ્રોલિયમ મજદૂર સંઘના નેજા હેઠળ અહીંસક આંદોલન છેડનાર ડ્રાઇવરો કહી રહ્યા છે કે ONGC તથા તેમના દ્વારા નિયુક્ત વિવિધ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીનું આર્થિક તથા સામાજિક રીતે શોષણ કરાઈ રહ્યું છે. સરકારી ધારા ધોરણ મુજબ લઘુત્તમ વેતનની જોગવાઈઓ, પગાર ધોરણ, પ્રોવિડન્ટ ધારાની જોગવાઈઓ ની નીચે પ્રોવિડન્ટ ફંડ સ્કીમોના લાભો, ઓવર ટાઈમ કામનું વળતર, ટ્રાન્સપોર્ટેશન સહિતના લાભો અને અધિકારો તેમને આપવામાં આવતા નથી. જે માટે યુનિયન દ્વારા લેબર કમિશનર, પ્રોવિડન્ટ ફંડ કમિશનરને લેખિત અને મૌખિક વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં એ નિરાકરણ આવ્યું નથી. છેવટે કંટાળીને તેઓએ ગાંધીજી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન શરૂ કર્યું છે. જો તેઓની આ માંગ નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT