ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગુજરાતની ચૂંટણીમાં (Gujarat Election) સૌરાષ્ટ્રની તમામ સીટો કોઈપણ પાર્ટી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ગત 2017ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં 49માંથી માત્ર 19 સીટો મળી હતી. જેના કારણે જ ભાજપ આ વખતે સૌરાષ્ટ્રમાં વધારે પ્રચાર પર ધ્યાન આપી રહી છે. ત્યારે ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી પોતે સૌરાષ્ટ્રમાં જનસભાને સંબોધવા આવી રહ્યા છે. પરંતુ શું આ વખતે ભાજપ માટે જીતવું સરળ હશે?
ADVERTISEMENT
2017માં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ મજબૂત હતું
2017ની ચૂંટણીના પરિણામ જોઈએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢમાં પાંચમાંથી ચાર બેઠકો કોંગ્રેસે જીતી હતી. કોંગ્રેસની તાકાત તોડવા માટે તેમના ધારાસભ્યોને ભાજપમાં ભેળવી દેવાયા. કોંગ્રેસના કદ્દાવર ધારાસભ્યોમાંથી બે ધારાસભ્ય જવાહર ચાવડા અને લેઉઆ પાટીદાર ખેડૂત નેતા હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાઈ ગયા છે. આ પાછળનું કારણ કોઈપણ હોય પરંતુ કોંગ્રેસમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે, જેથી જૂનાગઢની પાંચ બેઠક હાંસેલ કરી શકે.
આ વખતે AAP પણ મેદાનમાં
સૌરાષ્ટ્રમાં પાછલી ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ભાજપ માટે નુકસાનકારક સાબિત થયું અને આ વખતે આમ આદમી પાર્ટીની સક્રિય ઝુંબેશ ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. આમ આદમી પાર્ટીએ ભાજપની દુઃખતી નસ સૌરાષ્ટ્રમાં જ પોતાની જીતનો લક્ષ્યાંક બનાવ્યો છે અને 49માંથી 30 બેઠકો મેળવવા ઈચ્છે છે અને સૌરાષ્ટ્રની અસર સુરતમાં પણ થાય છે આથી સૌરાષ્ટ્રની 49 બેઠકો પર વીણીવણીને ઉમેદવારોને પસંદ કરવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપથી વિવિધ મતદારો નારાજ
સૌરાષ્ટ્રમાં હાલમાં માલધારી, માછીમારો, ખેડૂત અને યુવા મતદારો ભાજપની વિરુદ્ધમાં છે. ગામે ગામ બેનર લાગી રહ્યા છે અને ભાજપને મત માગવા ન આવવા કહેવાઈ રહ્યું છે. આ વખતે ગામના લોકો સુવિધા અને વિકાસના નામ પર વોટ નહીં આપે કારણ કે સૌરાષ્ટ્રમાં ગામની હાલતમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. હવે ભાજપ કઈ લાલચથી તમામ વર્ગોને પોતાની તરફ આકર્ષશે તે જોવાનું રસપ્રદ રહેશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેને ફાયદો થયો હતો, આ વખતે આ જ ફાયદો આમ આદમી પાર્ટીને મળી શકે છે. ભાજપને 49માંથી કેટલી સીટ મળશે તે તો ચૂંટણીના પરિણામો જ દર્શાવશે.
ADVERTISEMENT