અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાયું છે. કોંગ્રેસના સીનિયર નેતા અને 11 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ હવે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી ચૂક્યા છે અને પોતાના પુત્રને છોટા ઉદેપુરની બેઠક પરથી ટિકિટ અપાવે તેવી પણ શક્યતા છે. ત્યારે ગુજરાતમાં આદિવાસીઓના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર એક નજર કરીએ.
ADVERTISEMENT
ગુજરાતમાં 38 બેઠકો પર આદિવાસી સમાજનો દબદબો
ગુજરાતમાં કુલ 27 જેટલી અનામત બેઠકો છે. જેમાં 38 બેઠકો પર આદિવાસીઓનો દબદબો છે. જોકે તેમાંથી મોટાભાગની બેઠકો કોંગ્રેસ પાસે રહી છે. વર્ષ 2017ની વાત કરીએ તો કુલ 27 અનામત બેઠકોમાંથી 15 જેટલી બેઠકો કોંગ્રેસના ફાળે રહી હતી. જ્યારે ભાજપને માત્ર 9 બેઠકો મળી હતી. ઉપરાંત બીટીપીને 2 અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી હતી. હાલમાં રાજ્યમાં કુલ 15 ટકા આદિવાસી વસ્તી છે.
આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ભાજપની નજર
છોટા ઉદેપુરમાં આદિવાસી પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે, ભાજપની નજર આ વિસ્તારોમાં પણ હવે છે. ભાજપે આ ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંક માટે તેણે આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરવી ખૂબ જરૂરી છે. ત્યારે ભાજપની નજર હવે આદિવાસી મતદારો પર છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વલસાડમાં પોતાના સંબોધનમાં આદિવાસીઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા માટે A ફોર આદિવાસીથી ABCDની શરૂઆત થાય છે. બીજી તરફ ભાજપે આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા પણ કાઢી હતી.
ADVERTISEMENT