અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને AAP વચ્ચે વીડિયો વોર ચાલી રહી છે. ભાજપ દ્વારા રોજે રોજ ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત વીડિયોને વાઈરલ કરવામાં આવી રહ્યા છે. જોકે આ વીડિયોના સ્પષ્ટીકરણમાં ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું જ જણાવ્યું હતું કે તે પોતે પાટીદાર હોવાના કારણે ભાજપ તેમને પરેશાન કરી રહી છે. ત્યારે આજે ફરીથી AAPની પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ગોપાલ ઈટાલિયા પાટીદાર હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું સાથે જ ભાજપ સરકાર પાટીદાર વિરોધી હોવાનું તેમણે કહ્યું હતું.
ADVERTISEMENT
પાટીદારોને ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં આવવા ઈસુદાને કરી અપીલ
ઈસુદાન ગઠવીએ પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ગોપાલ ઈટાલિયા ભાજપ સામે અડીખમ લડી રહ્યા છે. ભાજપના કોઈ નેતાની તાકાત નથી કે ગોપાલ ઈટાલિયાને ખરીદી શકે. ભાજપે તમામ પટેલ સમાજના આગેવાનો જે તેમની સામે પડ્યા હતા એને પોતાની તરફેણમાં ખરીદી લીધા છે. અત્યારે ભાજપ પાટીદારને રીઝવવા કાર્યરત છે, પરંતુ હું અપીલ કરું છે સમાજને કે ભાજપની સચ્ચાઈ તમે જાણી જ ચૂક્યા હશો. અત્યારે ગોપાલ ઈટાલિયાના વિવિધ વીડિયો વાઈરલ કરવામાં આવી રહ્યા છે. ગોપાલને કોઈપણ રીતે કચડી નાખવા માટે ભાજપે ષડયંત્રો રચ્યા છે. આ સાથે જ ઈસુદાન ગઢવીએ પટેલ સમાજને સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં પોસ્ટ કરવા માટે કહ્યું હતું.
ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર કાર્ડનો ઉપયોગ
AAP દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે તેમની સરકાર બનવા પર પાટીદાર સમાજ સહિત ભાજપ સરકારે આંદોલન કરનારા જે સમાજના લોકો પર કેસ કર્યા છે તે તમામને પાછા ખેંચવાનું કહી દીધું છે. આ સમગ્ર ઘટનાક્રમને જોતા ક્યાંકને ક્યાંક એમ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી સમગ્ર વિવાદ વચ્ચે પાટીદાર સમાજને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર ખૂબ મોટું માનવામાં આવે છે. રાજ્યમાં 15 ટકા જેટલા મતદારો પાટીદાર છે જેઓ 71 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે.
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું કેટલું મહત્વ છે?
પાટીદાર આંદોલન દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ઘણા પાટીદારો ભાજપ સરકારથી નારાજ થયા હતા. જેની અસર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી હતી અને ભાજપની બેઠકો ઘટીને 99 થઈ ગઈ હતી. એવામાં આગામી ચૂંટણી જીતવા તમામ પક્ષ જોર લગાવી રહ્યા છે કે પાટીદાર સમાજ તેમની તરફ આવી જાય જેથી ચૂંટણીમાં વધુને વધુ બેઠકો પર તેમને ફાયદો થાય. ત્યારે AAP દ્વારા ગોપાલ ઈટાલિયા વિરુદ્ધના જૂના વીડિયો વાઈરલ થતા ભાજપ પર સીધો જ આક્ષેપ કરીને પોતે પાટીદાર હોવાના કારણે આ કરવામાં આવી રહ્યું હોવાનું કહીને પાટીદારો સમાજની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે ચૂંટણીમાં આ પાટીદાર કાર્ડ કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT