ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી રેકોર્ડ બ્રેક કર્યા છે. બનાસકાંઠાના થરાદથી ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતેલા શંકર ચૌધરીએ ગુજરાતની વિધાનસભાની કમાન સંભાળી છે. આ જ જીતને હવે પડકારવામાં આવી છે. શંકર ચૌધરીની જીતને પડકાર ફેંકવામાં આવ્યો છે. અપક્ષ ઉમેદવારે શંકર ચૌધરી સામે હાઈકોર્ટમાં અરજી કરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક જીત સાથે ફરી સત્તામાં આવી છે, ત્યારે વિધાનસભાના એક દિવસીય શિયાળુ સત્ર દરમિયાન વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી હતી. શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે. CMએ શંકર ચૌધરીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, લોકશાહીની સેવા કરવાનું કામ છે. સંવિધાનિક સંસ્થાને વધુ મજબૂત કરવાની તક છે.પરંતુ થરાદ બેઠક પરથી શંકર ચૌધરીની જીતને પડકારવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી જીતીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનેલા શંકર ચૌધરીની જીતને એક અપક્ષ ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે. શંકર ચૌધરી સામે ચૂંટણી લડી હતી તે અપક્ષ મહિલા ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે શંકર ચૌધરીએ તેમની ઉમેદવારીમાં ભારતના ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન કર્યું નથી. જો કે હાઈકોર્ટે આ અપક્ષ ઉમેદવારને 3 માર્ચ સુધીમાં તેની અરજીમાં રહેલી ક્ષતિઓ સુધારવા માટે કહ્યું છે. જો અપક્ષ ઉમેદવાર હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રહેલી ખામીઓને દૂર કરી શકશે તો કોર્ટ તેની સુનાવણી અંગે નિર્ણય કરશે.
ભગતીબેનની ડિપોઝીટ થઈ હતી જપ્ત
થરાદ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડનાર ભગતીબેન બ્રહ્મક્ષત્રિયે શંકર ચૌધરીની જીતને પડકાર ફેંક્યો છે. તેમણે દાવો કર્યો છે કે, શંકર ચૌધરીએ તેમની ઉમેદવારીમાં ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. જ્યારે હાઈકોર્ટે બ્રહ્મક્ષેત્રિયની અરજીની તપાસ કરી ત્યારે તેમાં કેટલીક ખામીઓ જોવા મળી હતી. આ પછી કોર્ટે તેમને હટાવવા માટે 3 માર્ચ સુધીનો સમય આપ્યો છે. શંકર ચૌધરી સામેની ચૂંટણીમાં બ્રહ્મક્ષત્રિયને માત્ર 190 મત મળ્યા હતા અને તેમની ડિપોઝીટ જપ્ત થઈ હતી, પરંતુ હવે તેમણે શંકર ચૌધરીના ઉમેદવારી ફોર્મમાં ખામીને લઈને કોર્ટનો સંપર્ક કર્યો છે. તો બીજી તરફ ભગતીબેન બ્રહ્મક્ષત્રિયની પુત્રી નિરુપા મોરબીથી ચૂંટણી લડ્યા હતા, તેને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ચૌધરીએ કોંગ્રેસના ગુલાબસિંહને હરાવ્યા
થરાદ બેઠક પરથી શંકર ચૌધરીએ 1,17,891 મત મેળવીને જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને હરાવીને આ બેઠક કબજે કરી છે. ગુલાબસિંહ રાજપૂતને 91,385 વોટ મળ્યા. ચૌધરીએ કુલ મતદાનના 54.27 ટકા મત મેળવ્યા હતા. તો ત્યાં કોંગ્રેસના ઉમેદવારને 42.07 ટકા મત મળ્યા છે. થરાદ બેઠકની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવાર સહિત તમામ ઉમેદવારોની ડિપોઝીટ જતી રહી હતી. 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આ બેઠક પરથી શંકર ચૌધરી પ્રથમ વખત જીત્યા છે. જીત્યા બાદ જ્યારે તેમનું નામ વિધાનસભા અધ્યક્ષ માટે નક્કી થયું ત્યારે તેમણે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પણ વાંચો: ડુપ્લિકેટ આદિવાસી સર્ટિફિકેટને લઈ છોટુ વસાવા ફરી મેદાને, સરકાર પાસે કરી આ માંગ
નકલી ડિગ્રી મામલે કોર્ટમાંથી ક્લીનચીટ મળી
2017 પહેલા જ્યારે શંકર ચૌધરી રાજ્ય સરકારમાં મંત્રી હતા ત્યારે પણ તેમની સામે સવાલો ઊભા થયા હતા. તેમને નકલી ડિગ્રીને લઈને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. એક સામાજિક કાર્યકર્તાએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને તેમની શૈક્ષણિક વિગતો પર સવાલો ઉઠાવ્યા હતા. ચૂંટણી એફિડેવિટ અને આરટીઆઈ દસ્તાવેજોમાં એવું બહાર આવ્યું છે કે, કોઈ વ્યક્તિ માટે 2011માં 12મું પાસ કરવું અને 2012માં એમબીએની ડિગ્રી મેળવવી શક્ય નથી, જોકે આ મામલાની લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે શંકર ચૌધરીને ક્લીનચીટ આપી હતી. ત્યારે હવે ફરી એક વખત શંકર ચૌધરી પર સવાલો ઉઠયા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT