અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં INDIA Today Axis My Indiaના સર્વેમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક સીટો સાથે ફરીથી ભાજપની જ સરકાર બનતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ઈન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને 131થી 151 બેઠક મળી શકે છે તેવું દર્શાવાયું છે. એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 16થી 30 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી માટેને 9થી 21 બેઠકો મળી શકે છે.
ADVERTISEMENT
ભાજપમાંથી કોણ હોવા જોઈએ CM?
જોકે આ એક્ઝિટ પોલમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનવા જોઈએ તેવો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના લોકો ભૂપેન્દ્ર પટેલ નહીં પરંતુ ભાજપમાંથી અન્ય કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી બને તેમ જણાવ્યું હતું. એક્ઝિટ પોલ મુજબ, 27 ટકા લોકોએ એવી ઈચ્છા દર્શાવી હતી કે ભાજપમાંથી અન્ય કોઈ ઉમેદવાર મુખ્યમંત્રી બને, જ્યારે 19 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને જ ફરી મુખ્યમંત્રી બનાવવાની વાતનું સમર્થન કર્યું હતું.
કોંગ્રેસ-AAPમાંથી કોને કર્યા પસંદ?
એક્ઝિટ પોલમાં જો કોંગ્રેસની સરકાર બને તો કોને મુખ્યમંત્રી બનાવવા તે વિશે પણ પૂછવામાં આવ્યું હતું, જેમાં 22 ટકા લોકોએ કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા દર્શાવી જ્યારે 2 ટકાએ જગદીશ ઠાકોર અને 1 ટકા લોકોએ જિગ્નેશ મેવાણી તથા અમિત ચાવડાને મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા દર્શાવી હતી. જ્યારે AAPની સરકાર બને તો 5 ટકા લોકોએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી બનાવવા, 15 ટકાએ કોઈપણ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ તેમ જણાવ્યું હતું.
એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ફરી ભાજપની સરકાર
નોંધનીય છે, ગુજરાતમાં 1લી ડિસેમ્બરે 89 બેઠકો અને 5મી ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વખતે 182 બેઠકો પર મતદાન 2017ની તુલનાએ ઓછું થયું છે. જોકે તમામ એક્ઝિટ પોલમાં આ વખતે ગુજરાતમાં ફરીથી 7મી વખત ભાજપની જ સરકાર બનતી હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે 8મી ડિસેમ્બરે જ આ વાત પર વધુ સ્પષ્ટતા થઈ શકશે.
ADVERTISEMENT