પદ્મ શ્રીથી સન્માનિત જૂનાગઢના હીરાબાઈ કોણ છે? જેઓ સ્વિત્ઝર્લેન્ડ-સ્વીડનમાં પણ એવોર્ડ મેળવી ચૂક્યા છે

ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ્મ પુરસ્કારોની યાદીમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન અપાયું હતું. ત્રણ ગુજરાતીઓ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ્મ પુરસ્કારોની યાદીમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન અપાયું હતું. ત્રણ ગુજરાતીઓ પદ્મ શ્રી પુરસ્કાર જીત્યા હતા. જે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. સિદી સમાજના હિરાબેન લોબીનો સમાવેશ થાય છે. જેમની સાથે અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી જેવી સેલીબ્રીટીઓ પણ તેમનું સન્માન કરી તેની સાથે ફોટોગ્રાફ્સ લેવાનો ગર્વ લીધો છે. જૂનાગઢમાં સિદી સમાજને પગભર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા હીરબાઈ કોઈ રીયલ સેલેબ્રિટીથી કમ નથી.

સિદ્દી સમાજના ઉત્કર્ષ માટે હીરબાઈએ જીવન આખું વિતાવી દીધું
જુનાગઢના તાલાલાથી આશરે 10 km દૂર આવેલું જાંબુર ગામ સિદી સમાજનું ગામ છે. અહી રહેતા સિદ્દી સમાજ આમ તો ગીર સાસણના જંગલમાં રહેતો હતો અને આદિવાસી જીવન ગુજારતો હતો. આશરે સવાસો વર્ષ પહેલા સિદ્દી સમાજને જંગલમાંથી બહાર કાઢી અહી રહેવા જગ્યા આપવામાં આવી જે ધીમેધીમે એક ગામમાં ફેરવાઈ અને જાંબુર ગામે નામ પ્રસિદ્ધ થયું. આમ છતાં અહીંના સમાજની હાલત તો આદિવાસી જેવી જ અને જંગલી રહેણી કરણી હતી. આથી અહી રહેતા બાદશાહ સમાજ માટે કાઈક કરી છુટવાની હામ ધરાવતા હીરબાઈ કે જેણે સમાજનો ઉદ્ધાર કરવા અને સમાજને શિક્ષિત બનાવી એક ઉમદા જીવન ધોરણ આપવા પોતાની જિંદગી વિતાવી દીધી.

આ પણ વાંચો: હર્ષદ રિબડિયા, લલિત કગથરા સહિત ચૂંટણી હારેલા BJP-કોંગ્રેસના 4 ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

14 વર્ષની ઉંમરે પરિવારે લગ્ન કરી દીધા હતા
આખુંય જીવન સિદ્દી સમાજ માટે સંઘર્ષ કરનાર હીરબાઈ પોતાની જીવનની આપવીતી કહેતા કહે છે,”બચપણ તો જંગલમાં લાકડા કાપવામાં ગયું , ધોરણ 2 સુધી માંડ અભ્યાસ કરવા મળ્યો, માવતરના ઘરે ઘણા લાડ કોડથી ઉછરેલી એટલે પરંતુ 14 વર્ષની ઉંમરે લગ્ન કરી સાસરે આવી ત્યારે દુ:ખના દહાડા જોયા, અને બસ ત્યારથી બાદશાહના નામે ઓળખાતા સિદ્દી સમાજ માટે ઉત્કર્ષનું વિચારવાનું શરુ કર્યું. એમાં પ્રેરણા આપી રેડિયોના કાર્યક્રમોએ. રેડિયોના કાર્યક્રમોમાં આવતા સરકારની યોજનાઓ અને અનેક વિકાસના કાર્યક્રમોની જાણ થતી અને એમાંથી શરૂઆત પોતાના કાર્યોની શરૂઆત કરી. જાંબુર ગામમાં શિક્ષણ અને સ્ત્રીઓને પગભર કરવાની શરૂઆત કરવા સૌ પહેલા પોતાની વાડીમાં ગામની મહિલાઓને કામ પર રાખી અને સાથે સાથે બાળકોને શાળાએ મુકવા ઘરે ઘરે સમજાવવાનું શરુ કર્યું. શરૂઆતમાં જાકારો આપતા લોકો ધીમે ધીમે હીરબાઈની વાત સ્વીકારી બાળકોને ભણવા મુક્વા લાગ્યા. દારૂનો અડ્ડો બની ગયેલું શાળાનું મકાન સાફ કરવી શાળા શરુ કરી. ગામમાં સાફ સફાઈ અને જરૂરી સુવિધા માટે લડત કરી.

પુરુષોનો વિરોધ સહન કરીને પણ ગામની બહેનોને આગળ લાવ્યા
સરકાર પાસે મદદ લેવા છેક ગાંધીનગર પહોંચતા હીરબાઈ ભણેલા ન હતા પણ ગણેલા જરૂર હતા તેની પ્રતીતિ સૌ કોઈને કરાવતા. એક મહિલા ધારે તો શું કરી શકે એ સાબિત કર્યું હીરબાઈ એ. ગામના પુરુષો જોકે હીરબાઈનો વિરોધ કરતા પરંતુ ગામની મહિલાઓનો સાથ અને સહકાર હીરબાઈને હિમત પૂરી પાડતા. હીરબાઈએ પોતાના જ ખેતરમાં ઓર્ગેનિક ખાતરની મીની ફેક્ટરી શરુ કરી અને તેમાં ગામની મહિલાઓને રોજીરોટી મળી રહે પોતાના પગભર થાય એ હેતુથી કામ પર રાખી. સાથે સાથે થોડી રકમ બચત કરતા શીખવી અને ગામમાં જ એક શરાફી મંડળી શરુ કરી, પછી ધીમે ધીમે આસપાસના ગામડાઓમાં પણ મહિલાઓ માટે મંડળી શરુ કરી. એમાં સભ્યોની સંખ્યા વધતા બેંકમાં દરેક મહિલાનું એકાઉન્ટ ખોલાવવા મહેનત કરી. ઘણા પ્રયાસો પછી બધાના એકાઉન્ટ ખુલ્યા કારણ કે કોઈ મહિલા શિક્ષિત ન હતી અને બેંક વિષે કશું જ જાણતી નહતી.પરંતુ હીરબાઈ એ હિંમત ન હારી અને પોતે જાતે ધક્કા ખાધા અને ગામની મહિલાઓ માટે બચતનું સાધન બેંક એકાઉન્ટ જ છે એમ સમજી ખાતા ખોલાવ્યા.

આ પણ વાંચો: પદ્મ પુરસ્કારની જાહેરાત, 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા

સરપંચ બની ગામનો વિકાસ કર્યો
ગામના સરપંચ તરીકે પણ હીરબાઈએ કામ કર્યું અને ગામના વિકાસ માટે અન્ય કોઈ સરપંચ બને તો સહકાર આપ્યો. જીવનના 65 વર્ષ કેમ વીતી ગયા એ વિચારતા હીરબાઈ કહે છે કે, ક્યારેય મેં મારા વિષે ન વિચાર્યું, વિચાર્યું તો આ ગામ વિષે, મારા સમાજ વિષે ..એટલે જ આજે ગામના તમામ બાળકો, યુવાનો, યુવતીઓ ભણેલા છે. સરકારી નોકરીઓ કરે છે, આર્મી અને નેવીમાં જોડાયા છે. હીરબાઈના ખુદના પુત્રો , પુત્રીઓ ભણી ગણી આગળ વધ્યા છે અને તમના સંતાનો એટલે કે હીરબાઈના પૌત્રો અને પુત્રીઓ પણ કોલેજોમાં ભણી રહ્યા છે.

હવે વાત કરીએ તમેના સફળતાના સમાચારોની
એક પછાત ગામમાં રહેતા હીરબાઈને સ્વીત્ઝર્લેન્ડમાં અને સ્વીડનમાં પણ અવોર્ડ મળેલા છે. જી હા ધોરણ 2 ભણેલા હીરબાઈને વિદેશમાં સન્માનવામાં આવ્યા છે એટલું જ નહી આપણા હાલના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા નરેન્દ્ર મોદીએ પણ બે વખત સન્માન્યા છે. સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીના ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે રીયલ હીરો તરીકે ખાસ હીરબાઈને મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન એ પણ હીરબાઈ સાથે ફોટો પડાવેલા છે અને તેમના કાર્યોની પ્રંશસા કરેલી છે. આ ઉપરાંત જાનકીદેવી બજાજ એવોર્ડ, સ્વીત્ઝેર્લેન્ડ સંસ્થાનો ‘વુમન્સ વર્ક્ડ પીમીડ ફાઉન્ડેશન’ના અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે પણ હિમત હાર્યા વગર ગામની મહીલાઓ જોડે ખભે ખભા મિલાવી ખેતરોમાં કામ કરતા હીરબાઈ જોઈ શકાય છે એને જોઈ દરેક મહિલામાં હિમત જરૂર વધી જાય છે.

આજે પણ ખેતરોમાં કે ફેક્ટરીમાં કામ કરવા જાય છે
જયારે હીરબાઈ ખુશ થાય છે ત્યારે સિદ્દી સમાજના લોકો સાથે સિદ્દી સમાજનું લોકનૃત્ય ‘ધમાલ’ નૃત્ય પણ કરે છે અને ખેતરોમાં કે ખાતરની ફેક્ટરીમાં કામ કરતા કરતા મનમોજી બની ગીતો લલકારતા હીરબાઈના ગીતો પણ પ્રેરણા આપે એવા હોય છે. આપણે સૌ સલમાનખાન, ધોની કે કેટરીના કૈફને જ સેલિબ્રિટી માનીએ છીએ. વાસ્તવમાં સેલિબ્રિટીનો સાચો અર્થ સાર્થક કર્યો હોય તો એ હિરબાઈ છે. નામેથી જે હીરો હીરબાઈ તરીકે ઓળખાય છે એ ખરેખર રીયલમાં હીરો જ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp