અમદાવાદ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે કેજરીવાલ ગુજરાતને વધુ એક ગેરંટી આપવાના છે. ત્યારે સૌ કોઈના મનમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે ચૂંટણી પહેલા કેજરીવાલ હવે કયું ગેરંટી કાર્ડ ફેંકશે? ત્યારે શક્યતા છે કે આજે કેજરીવાલ ભ્રષ્ટાચાર મામલે કોઈ મોટી ગેરંટી ગુજરાતની જનતાને આપી શકે છે.
ADVERTISEMENT
શું હશે આજનો કાર્યક્રમ?
અરવિંદ કેજરીવાલના આજના કાર્યક્રમની વાત કરીએ તો આજે તેઓ AAPના નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરશે અને કેટલાક લોકો પણ AAPમાં જોડાશે. બપોરે તેઓ અમદાવાદમાં વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. આ બાદ સાંજે તેઓ સફાઈ કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમના પ્રશ્નો સાંભળી શકે છે અને ટાઉનહોલ કાર્યક્રમના સમાપન બાદ દિલ્હી જવા માટે રવાના થશે.
3 દિવસથી ગુજરાતમાં કેજરીવાલ
નોંધનીય છે કે, 11મીથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલે ગઈકાલે પહેલા રીક્ષા ચાલકો, પછી વેપારીઓ અને સાંજે વકીલો સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ચર્ચા કરી હતી. આ બાદ સાંજે તેઓ રીક્ષા ચાલકના આમંત્રણ પર તેના ઘરે જમવા પણ પહોંચ્યા હતા. જે દરમિયાન પોલીસે સાથે પણ તેમની થોડી રકજક થઈ હતી.
અગાઉ આપી ચૂક્યા છે કેટલીક ગેરંટી
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિલ્હીથી મોટા નેતાઓના પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. કેજરીવાલ અગાઉ ગુજરાતની જનતાને ફ્રી વીજળી, રોજગારી, ફ્રી શિક્ષણ અને સારવારની સુવિધા સહિતની અનેક ગેરંટી આપી ચૂક્યા છે. એવામાં તેમની આજની નવી ગેરંટી પર સૌ કોઈની નજર રહેશે.
ADVERTISEMENT