દિલ્હી: જંતર મંતર પર ભારતીય કુસ્તી મહાસંઘ વિરુદ્ધ સતત ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત લગભગ 30 પહેલવાનો કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણ સહિત ગંભીર આરોપ લગાવ્યા છે. ખેલ મંત્રાલયે મામલાને ગંભીરતાથી લીધો છે. અનુરાગ ઠાકુરે શુક્રવારે રાત્રે 10થી બીજા દિવસે સવારે 2.15 વાગ્યા સુધી મીટિંગ કરી. બીજી તરફ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણે (WFI President Brij Bhushan Sharan) રાજીનામું આપવાથી ઈનકાર કરી દીધો છે. આટલું જ નહીં તેમણે સમગ્ર મામલે કોંગ્રેસનું ષડયંત્ર હોવાનું કહી દીધું છે.
ADVERTISEMENT
’15 દિવસમાં ભગવાન ખલનાયક થઈ ગયા’
Aajtak સાથે એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં બૃજભૂષણે કહ્યું કે, ખેલાડીઓ મેડલ લઈને આવ્યા છે તો તેમાં મારો પણ પરસેવો છે. તેઓ જાતે મેડલ લઈને નથી આવ્યા. મેં તે બધાને સુવિધા આપી છે. આજના 15 દિવસ પહેલા આ ખેલાડીઓ અમારી પ્રશંસા કરતા હતા, કહેતા હતા કે, તમે કુસ્તીના ભગવાન છો, અને 15 દિવસમાં નેગેટિવ સેટ થાય છે, ષડયંત્ર થાય છે અને ભગવાન આજે ખલનાયક થઈ જાય છે. હું દેશથી ઊપર નથી, આ મારા ઘરનું પદ નથી, હું ચૂંટાઈને આવ્યો છે.
કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો દાવો
કુસ્તી સંઘના અધ્યક્ષે સમગ્ર મામલે કોંગ્રેસના નેતા દ્વારા તેમની વિરુદ્ધ ષડયંત્ર કરાતું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. તેમણે કહ્યું કે, આ ખેલાડી, દીપેન્દ્ર હુડ્ડા અને કોંગ્રેસ પાર્ટીનો હાથો બની ગયા છે. દીપેન્દ્ર હુડ્ડાને મેં 2012માં ચૂંટણી હરાવી હતી. તે સમયે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી અને મેં તેમને ચૂંટણી હરાવી હતી. આ મારા પર હુમલો નથી, મારા બહાને આ ભાજપ પર હુમલો છે અને કોંગ્રેસ પાર્ટી પોતાનો ગુમાવેલો જનાધાર શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ રાજકીય ષડયંત્ર છે અને 1993માં પણ મારી વિરુદ્ધ આવું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા કરાયું હતું અને 30 વર્ષ બાદ ફરી તે જ મારી સાથે કરાઈ રહ્યું છે.
કેજરીવાલે ભાજપ સરકારને ઘેરી
નોંધનીય છે કે, સમગ્ર મામલે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, હરિયાણાના મિનિસ્ટરથી લઈને WFIના અધ્યક્ષ સુધી ગંભીર આરોપો લાગ્યા, પરંતુ ના રાજીનામું આવ્યું, ના કાર્યવાહી. દેશની મહિલા ખેલાડીઓની સુરક્ષાના મામલે તેમની પાર્ટી અને સરકાર પોતાના નેતાઓને બચાવવામાં લાગી છે, આ ખૂબ જ શરમજનક છે.
ADVERTISEMENT