સૌરભ વક્તાનિયા/વડોદરા: શહેરમાં દિવાળીના તહેવારમાં જ શાંતિ ડહોળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે તકરાર થયા બાદ પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ આગચંપી અને ઠેર-ઠેર તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસતી અટકાવવા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે પોલીસે આ તોફોનો અગાઉથી જ પ્લાન કરેલા હોય તે લાગતું હોવાનું જણાવ્યું હતું. આ મામલે 19 લોકોની અટકાયત હાલમાં કરવામાં આવી છે.
ADVERTISEMENT
સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પેટ્રોલ બોમ્બ ફેંકાયા
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ કોમી છમકલું અગાઉથી પ્લાન કરેલ હતું. સ્ટ્રીટ લાઈટને બંધ કરવામાં આવી, પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા જે દર્શાવે છે કે આ તોફાનો પહેલાથી જ પ્લાન કરેલા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કહ્યું કે, તોફાનો પહેલાથી પ્લાન કરેલા હોય તેમ લાગી રહ્યું છે.
ચાર મહિનામાં 3 વખત તોફાનો થયા
આ સમગ્ર મામલાની તપાસ માટે વડોદરા પોલીસે સ્પેશ્યલ તપાસ ટીમ બનાવી છે. ઘટના દિવાળીની રાત્રે 12.30 વાગ્યે પાણીગેટ વિસ્તારમાં બની હતી. આ વિસ્તારમાં તોફાનની આ પહેલી ઘટના નથી. ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. છેલ્લા ચાર મહિનામાં જ આ વિસ્તારમાં તોફાનોની 3 જેટલી ઘટના બની ચૂકી છે.
DCP પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, બે સમુદાયો વચ્ચે ફટાકડા ફોડવાનો લઈને તકરાર થઈ હતી. અને એટલામાં જ એક ગ્રુપે દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી. તોફાનીઓ દ્વારા કેટલીક કારને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘણા વાહનોમાં આગચંપી કરી દેવાઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચતા તોફાનીઓએ તેમના પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. જેમાં સ્થાનિક DCP પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો અને તેઓ માંડ માંડ બચ્યા હતા.
(ફોટો-વીડિયો સૌજન્ય: દિગ્વિજય પાઠક)
ADVERTISEMENT