અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પંચાયત આજતકનો તખ્તો તૈયાર થઈ ગયો છે. આ કાર્યક્રમમાં મોદી સરકારના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક વચ્ચે સામ-સામે શાબ્દિક ટક્કર થઈ હતી. આ દરમિયાન પુરષોત્તમ રૂપાલાએ દાવો કર્યો છે કે ભાજપની બહુમતીથી સરકાર બનવા જઈ રહી છે. આની સાથે કોંગ્રેસ વિશે તેમણે કહ્યું કે અમે કોંગ્રેસને શાસનથી હટાવવા માગીએ છીએ રાજનીતિથી નહીં. આની સાથે તેમણે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કર્યા છે. જાણો વિગતવાર માહિતી…
ADVERTISEMENT
અમે કોંગ્રેસ તોડતા નથી, એ તૂટી રહી છે- રૂપાલા
રૂપાલાએ કહ્યું કે હું અમીબેન યાજ્ઞિકનું સન્માન કરું છું. તેમનું વર્તન ઘણું સારું છે. રાજ્યની પાર્ટીમાં દરેકનું લક્ષ્ય સત્તા મેળવવાનું છે. સત્તા દૂર હતી ત્યારથી અમે કામ કરી રહ્યા છીએ. 11 વખતના ધારાસભ્ય મોહન સિંહ રાઠવા જેવા નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. અમે સ્વીકારીએ છીએ કે અમે તેમને ક્યારેય હરાવી શક્યા નથી. તેઓ પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમના નામથી પક્ષ ઓળખાય છે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે. કોંગ્રેસ તૂટી રહી છે. અમે કોંગ્રેસ તોડતા નથી.
મોદીજી દેશને નવી દિશા આપી રહ્યા છે
રૂપાલાએ કહ્યું હતું કે અમારા ખેલાડીઓ પહેલા રણજી રમતા હતા, હવે નેશનલ લેવલે રમી રહ્યા છે. પહેલા ગાંધીજી અને સરદાર પટેલ હતા, જેમણે દેશને આઝાદી અપાવી. આજે નરેન્દ્ર મોદીજી છે, જેઓ સ્ટાર બેટ્સમેન છે અને દેશને નવી દિશા આપી રહ્યા છે. આ આપણું સૌભાગ્ય છે. વિજય રૂપાણીને બદલવાની વાત પર તેમણે કહ્યું- રાજનીતિમાં બદલાવ આવવો જરૂરી છે. રૂપાણી 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. અમારી પાસે નેતાઓની લાંબી યાદી છે. લોકો અમારા માટે ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT