તાપી: મોરબીમાં ગત રવિવારે ઝૂલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આ દુર્ઘટનાના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા હતા. જેને લઈને ગઈકાલે 2 નવેમ્બરે રાજ્યભરમાં રાજકીય શોક રાખવામાં આવ્યો હતો. ત્યારે આ વચ્ચે ભાજપ શાસિત વ્યારા નગરપાલિકાના પ્રમુખની નગરપાલિકામાં જ જન્મદિવસ ઉજવતી તસવીરો સામે આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં શોક વચ્ચે નગરપાલિકાના પ્રમુખે કેક કાપી
રાજ્યભરમાં રાજકીય શોકના કારણે જ્યાં એક બાજુ તમામ સરકારી કચેરીઓ પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો, તથા CM સહિતના તમામ મંત્રી તથા અન્ય રાજકીય પાર્ટીઓ મોરબીમાં મૃતકોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રાજકીય શોક ઉજવી રહી હતી, આ દરમિયાન વ્યારા નગરપાલિકાના સેજલ રાણા નગરપાલિકામાં જ બર્થ-ડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં પાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના શહેર પ્રમુખ પણ હાજર રહ્યાં હતા. આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં ફરતી થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નગરપાલિકા ખાતે જ જન્મદિવસની ઉજવણી
એક બાજુ સમગ્ર ગુજરાત મોરબીમાં થયેલી દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યું હતું, ત્યારે પાલિકાના પ્રમુખ જ આ રીતે જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા. આટલું જ નહીં તેમનો કેક કાપતો વીડિયો પણ બનાવવામાં આવ્યો. ત્યારે સવાલ એ થાય છે કે, સમગ્ર રાજ્ય જ્યારે દુઃખમાં હોય ત્યારે શા માટે નગરપાલિકાના પ્રમુખે નગરપાલિકા ખાતે જ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી?
ADVERTISEMENT