ગુજરાત ચૂંટણી: બીજા તબક્કાનું વોટિંગ 5 વાગ્યા પછી 6.50 ટકા વધી ગયું! ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

અમદાવાદ: ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન વધીને 65.30 ટકા થયું છે. સોમવારે સાંજે 7 વાગ્યા સુધી ઈલેક્શન કમિશનની એપ પર વોટિંગની ટકાવારી 58.80 ટકા સુધીનું…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન વધીને 65.30 ટકા થયું છે. સોમવારે સાંજે 7 વાગ્યા સુધી ઈલેક્શન કમિશનની એપ પર વોટિંગની ટકાવારી 58.80 ટકા સુધીનું દર્શાવવામાં આવતું હતું, જોકે તેમાં ડેટા સતત અપડેટ થતો રહેતા મંગળવારે સવાર સુધીમાં તે 65 ટકાને પણ પાર કરી ગયો હતો. આમ ફાઈનલ વોટિંગમાં 6.50 ટકાનું વેરિએશન આવતા ઉમેદવારો પણ ચોંકી ઉઠ્યા હતા.

પાંચ વાગ્યા બાદ નવા આંકડા મુજબ 16.34 લાખ વોટ પડ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા ચરણમાં 2.51 કરોડથી વધુ ઉમેદવારો મેદાનમાં હતા. જોકે સાંજે 7 વાગ્યાના ચૂંટણી પંચના આંકડા મુજબ 58 ટકા લોકોએ મત આપ્યો એટલે કે 1.47 લાખ જેટલા વોટ પડ્યા હતા, પરંતુ મંગળવારે સવારે મતદાનનો ફાઈનલ આંકડો 65.30 ટકા થઈ ગયો. એટલે કે કુલ 1.64 કરોડ મત પડ્યા. આમ 5 વાગ્યાના આંકડા બાદ પણ 16.34 લાખ જેટલા વધુ વોટ પડ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

જિલ્લા મુજબ વોટિંગની ટકાવારી
જિલ્લા મુજબ જોઈએ તો બનાસકાંઠામાં કુલ 75.49 ટકા, પાટણમાં 68.84 ટકા, મહેસાણામાં 66.41 ટકા, સાબરકાંઠામાં 71.43 ટકા, અરવલ્લીમાં 67.55 ટકા, ગાંધીનગરમાં 68.89 ટકા, અમદાવાદમાં 59.05 ટકા, આણંદમાં 68.42 ટકા, ખેડામાં 68.55 ટકા, મહિસાગરમાં 61.69, પંચમહાલમાં 68.44 ટકા, દાહોદમાં 60.07 ટકા, વડોદરામાં 65.83 ટકા અને છોટા ઉદેપુરમાં 66.54 ટકા મતદાન થયું હતું.

અમદાવાદમાં 7 ટકા મતદાન પાંચ વાગ્યા પછીના આંકડામાં વધ્યું!
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ECIની એપ મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીના આંકડા 52 ટકા બતાવાતા હતા. જોકે મંગળવારે સવારે તે વધીને 59 ટકા થઈ ગયા હતા. જોકે તેમાં ચોંકાવનારી બાબત એ છે કે નારાણપુરામાં 1 ટકા મતદાન ઘટી ગયું. ચૂંટણી પંચના નિયમ મુજબ, સાંજે 5 વાગ્યે વોટિંગ બુથના ગેટ બંધ થઈ જાય છે, પરંતુ જે લોકો વોટ આપવા માટે લાઈનમાં ઊભા હોય તેમને વોટિંગ કરવા દેવામાં આવે છે.

ચૂંટણી પંચે શું સ્પષ્ટતા કરી?
મતદાનની ટકાવારીનો ડેટા એક કલાક પહેલાથી એકત્રિત કરવાનું શરૂ થાય છે. અને દોઢ કલાકે એપ્લિકેશન પર લોડ થાય છે. એટલે 7 વાગ્યા સુધીનો ડેટા પાંચ વાગ્યા સુધીની સરેરાશ વોટિંગની ટકાવારી ચાર વાગ્યાથી એકત્રિત માહિતીને આધારે હોય છે. ચંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ફાઈનલ વોટિંગ લિસ્ટ પાંચ વાગ્યા સુધી જેટલા મતદારો મતદાન મથકે હોય તેમના કુલ વોટિંગના આધારે તૈયાર થાય છે. આથી વોટિંગની ટકાવારીનો તફાવત વધ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ 3 ટકા જેટલું વેરિફિકેશન સામે આવ્યું હતું, ત્યારે બીજા ચરણમાં 6.50 ટકા જેટલું વેરિફિકેશન આવતા ચૂંટણી પંચે પણ સ્પષ્ટતા કરવી પડી હતી.

    follow whatsapp