ગાંધીનગરઃ ગઈકાલે જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથસિંહ વાઘેલા હવે ભાજપની ટીમમાં જતા હોય તેવા સંકેતો મળી રહ્યા છે. ચૂંટણી પહેલા પાર્ટી સાથે છેડો ફાડી દેતા રાજકારણ ગરમાયું. ત્યારે આજે વિશ્વનાથસિંહ વાઘેલાના ભાજપના નેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. સામે આવેલી તસવીરમાં વિશ્વનાથસિંહ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર સાથે જોવા મળી રહ્યા છે. એવામાં હવે તેઓ ભાજપમાં જોડાય તે વાતને સમર્થન મળી રહ્યું છે.
ADVERTISEMENT
ગઈકાલે જ યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસે પહેલા જ ગઈકાલે વિશ્વનાથસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામુ જગદીશ ઠાકોર અને સોનિયા ગાંધીને સોંપ્યું હતું. આ દરમિયાન તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હું અત્યારે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યો છું. આની સાથે પરિવારવાદનો મુદ્દો ઉઠાવીને તેમણે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા.
કોંગ્રેસમાં ચૂંટણી પહેલા સતત ભંગાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેવી રીતે નજીક આવી રહી છે એને જોતા તમામ પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસમાં સતત ભંગાણ પડતુ જોવા મળી રહ્યું છે. અત્યારે એમ લાગી રહ્યું છે કે ચૂંટણી પહેલા જ કોંગ્રેસ જાણે પાછળ થતી જઈ રહી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા વિશ્વનાથસિંહે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું હતું. જોકે રાજીનામું આપ્યાના બીજા દિવસે તેઓ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા તેમની ભાજપમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT