નવી દિલ્હી: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મંગળવારે જાહેરાત કરી કે વિશાખાપટ્ટનમ શહેર રાજ્યની રાજધાની બનવા જઈ રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, “હું તમને બધાને વિશાખાપટ્ટનમમાં આમંત્રિત કરવા આવ્યો છું જે આગામી દિવસોમાં આપણી રાજધાની બનવા જઈ રહી છે. હું પણ આવનારા મહિનામાં વિશાખાપટ્ટનમ શિફ્ટ થઈશ.”
ADVERTISEMENT
વાયએસ જગન મોહન રેડ્ડીએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે 3 અને 4 માર્ચે વિશાખાપટ્ટનમમાં વૈશ્વિક સમિટનું આયોજન કરી રહ્યા છીએ. હું તમને બધાને સમિટમાં વ્યક્તિગત રીતે આમંત્રિત કરવા આવ્યો છું.” રેડ્ડીએ વિદેશી અને સ્થાનિક રોકાણકારોને વિનંતી કરી કે અમારી મુલાકાત લો અને જુઓ કે આંધ્ર પ્રદેશ રાજ્યમાં વેપાર કરવો કેટલો સરળ છે.
2014માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આંધ્ર પ્રદેશના પુનર્ગઠનમાં જોગવાઈ કરવામાં આવી હતી કે હૈદરાબાદ 10 વર્ષ સુધી આંધ્ર પ્રદેશ અને તેલંગાણા બંનેની રાજધાની રહેશે. આ પછી, આંધ્ર પ્રદેશમાં રાજધાની માટે જગ્યાની શોધ શરૂ થઈ. તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ નવી રાજધાની તરીકે અમરાવતીની પસંદગી કરી હતી. 2015માં પીએમ મોદીએ નવી રાજધાની અમરાવતીના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો. આ પછી ત્યાં ઝડપથી વિકાસ કામો શરૂ થયા. પરંતુ 2019માં રાજ્યમાં સત્તા પરિવર્તન થયું. જગન મોહન રેડ્ડી સરકારમાં આવ્યા બાદ અમરાવતીમાં વિકાસ કાર્યો બંધ થઈ ગયા હતા. રેડ્ડી સરકારે નવી કમિટીની રચના કરી. આ પછી તેમણે સંકેત આપ્યો કે તેમની સરકાર ત્રણ રાજધાનીના મોડલ પર વિચાર કરી રહી છે.
રાજધાની પર સતત વિવાદ
અગાઉ 23 એપ્રિલ 2015ના રોજ ચંદ્રબાબુ નાયડુની ટીડીપી સરકારે અમરાવતીને આંધ્ર પ્રદેશની આગામી રાજધાની તરીકે જાહેર કરી હતી. ત્યારબાદ 2020માં ખુદ જગન સરકારે આંધ્ર પ્રદેશની ત્રણ રાજધાની હોવાની વાત કરી હતી. જેમાં અમરાવતી, વિશાખાપટ્ટનમ અને કુર્નૂલના નામ સામે આવ્યા હતા. જોકે, બાદમાં YSR કોંગ્રેસ સરકારે આ નિર્ણય પાછો ખેંચી લીધો અને અમરાવતીને રાજધાની બનાવવાની વાત કરી.
આ પણ વાંચો: નાણામંત્રીએ રજૂ કર્યો આર્થિક સર્વે, જાણો આવતા વર્ષે કેટલો રહેશે વિકાસનો દર
પૂર્વ મુખ્યમંત્રી પર લાગ્યા છે આરોપ
YSR કોંગ્રેસ સતત TDP પર અમરાવતીમાં જમીન કૌભાંડનો આરોપ લગાવી રહી છે. ખાસ કરીને ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આ વિવાદના કેન્દ્રમાં રહ્યા છે. રેડ્ડી સરકારે કથિત કૌભાંડની સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે અમરાવતીમાં ઘણા સ્થળો વિશે એક્શન પ્લાન પહેલાથી જ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે ચંદ્રબાબુ નાયડુએ આવા આરોપોને ફગાવી દીધા હતા.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT