Gujarat Election 2022: વિરમગામ વિધાનસભા ચૂંટણીમાં આ વખતે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળી શકે છે. ન માત્ર પક્ષો વચ્ચે પરંતુ પક્ષમાં આંતરિક રીતે પણ જુથવાદની શક્યતાઓ છે. ભાજપમાંથી તેજશ્રી બેન પટેલ અને હાલમાં જ કેસરિયા કરીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલ વચ્ચે સીટ મુદ્દે રસાકસી થઇ શકે છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડવાની છે, ત્યારે વિરમગામ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેજશ્રીબેન પણ કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા છે. જો કે ભાજપમાં આવ્યા બાદ તેઓ એક ચૂંટણી હારી ચુક્યાં છે.
ADVERTISEMENT
2017માં શું ગણીત હતું
વિરમગામ વિધાનસભામાં જનરલ સીટ છે. આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો તાલુકો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 271052 મત્તદારો હતા. જે પૈકી 1,40,844 પુરૂષ અને 1,30,202 મહિલા મતદારો છે. જ્યારે 6 અન્ય મતદારો છે. 2017માં 76178 મત્ત (41.25%) ટકા વોટ સાતે લાખાભાઇ ભીખાભાઇ ભરવાડ જીત્યા જ્યારે 69630 મત (37.71%) મત સાથે ભાજપ તરફથી તેજશ્રીબેનનો પરાજય થયો હતો.
વિરમગામ વિધાનસભા હાલ શા માટે ચર્ચામાં
વિરમગામ વિધાનસભા વિસ્તાર હાલ તો કોંગ્રેસનાં કબ્જામાં છે જો કે આગામી સમયમાં જે સંભવિત ઉમેદવાર ગણવામાં આવે છે તે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ ચુક્યાં છે. અત્રે નોંધનીય છે કે, જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા ત્યારે પણ એવું જ માનવામાં આવતું હતું કે, તે વિરમગામ સીટ પરથી જ વિધાનસભા લડશે અને હવે જ્યારે ભાજપમાં છે ત્યારે પણ તે વિરમગામમાંથી જ ચૂંટણી લડે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સીટને એક પ્રકારે રાજસ્થાન જેવી સીટ ગણાવી શકાય. અહીં એક વખત ભાજપ તો બીજી વખત કોંગ્રેસ તેમ પ્રતિ ટર્મ પક્ષ બદલતો રહ્યો છે. 2017 માં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડે 76178 મતથી જીત મેળવી હતી. કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવેલા તેજશ્રીબેન પટેલનો પરાજય થયો હતો. નોંધનીય છે કે, 2012માં તેજશ્રીબેન કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને ભાજપનાં પ્રાગજીભાઇને પરાજીત કરીને જીત પણ મેળવી હતી.
અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
આ અગાઉ 2007માં ભાજપના કમાભાઇ ગગજીભાઇનો વિજય થયો હતો. 2002મા ભાજપના જ ડોડીયા વજુભાઇ પરમારભાઇનો વિજય થયો હતો. 1998માં કોંગ્રેસના પ્રેમજીભાઇ વડલાણીની જીત થઇ હતી. 1995મા ભાજપના મચ્છર જયંતીલાલ પોપટભાઇ વિજયી બન્યા હતા. 1990માં હરદત્તસિંહ જાડેજા ભાજપ, 1985માં સોમાભાઇ ગાંડાભાઇ કોળી પટેલ ભાજપ, 1980 માં દાઉદભાઇ પટેલ કોંગ્રેસ (આઇ) 1972માં કાંતિભાઇ પટેલ NCO તથા 1967 માં જી.એચ પટેલ કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા. આ ઉપરાંત 1962 માં પુરૂષોત્તમદાસ રણછોડદાસ પરીખ SWA તરફથી લડ્યાં અને જીત્યા હતા.
આ વખતે કોણ હોઇ શકે છે સંભવિત ઉમેદવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે આપની એન્ટ્રીના કારણે વધારે રસપ્રદ બની છે. તેમાં પણ હાર્દિક પટેલનું હોમટાઉન હોવાનાં કારણે પણ આ બેઠક ચર્ચામાં છે. આ વખતે સંભવિત રીતે ભાજપ તરફથી હાર્દિક પટેલને ટિકિટ મળે તેવી શક્યતાઓ વધારે છે કારણ કે તેજશ્રી બહેન ગઇ વખતે ભાજપ તરફથી લડ્યાં પરંતુ પરાજિત થયા હતા. જેના કારણે પક્ષ અને સંગઠનમાં તેમની પકડ ઢીલી થઇ છે. બીજી તરફ હાર્દિક પટેલ ભાજપનાં જોડાયા બાદ સંગઠન ક્ષેત્રે ખુબ જ સક્રિય છે તેની પકડ પ્રમાણમાં વધારે છે ઉપરાંત સીટના જાતિગત સમીકરણમાં પણ તે ફીટ બેસે છે જેના કારણે હાર્દિક પટેલની શક્યતાઓ મહત્તમ જોવાઇ રહી છે.
ADVERTISEMENT