વેરાવળમાં ડોક્ટર ચગની અંતિમ યાત્રા નીકળી, સુસાઈડ નોટ કોણે લખી તે જાણવા પોલીસ લેશે FSLની મદદ

Yogesh Gajjar

• 07:17 AM • 13 Feb 2023

જૂનાગઢ: વેરાવળમાં જાણીતા ડોકટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં…

gujarattak
follow google news

જૂનાગઢ: વેરાવળમાં જાણીતા ડોકટર અતુલ ચગે પોતાની જ હોસ્પિટલના ઉપરના માળે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વેરાવળમાં ડોક્ટર ચગની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં પરિવાર સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે સમગ્ર મામલે કોઈપણ રાજકીય દબાણ વિના યોગ્ય તપાસ કરીને ન્યાય મળે તેવી માંગ કરી હતી.

સુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે કે નહીં તેની તપાસ થશે
બીજી તરફ હાલમાં વેરાવળ પોલીસે ડોક્ટરના આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ખાસ વાત એ છે કે ડોક્ટરના આપઘાત બાદ તેમની એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં બે નામો નારાયણ ચુડાસમા અને રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કરાયો હતો. એવામાં પોલીસે પહેલા તો સુસાઈડ નોટ ડોક્ટરે પોતે જ લખી છે કે નહીં તે તપાસ કરવા માટે તેને FSLમાં મોકલી દીધી છે, જેમાં તેમના હેન્ડરાઈટિંગની તપાસ કરવામાં આવશે. સમગ્ર મામલે ડોક્ટરના દીકરા હિતાર્થે પોલીસમાં ફરિયાદ કરી છે અને આપઘાત પાછળ પૈસાની લેવડદેવડ હોય તેમ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું.

પોતાની જ હોસ્પિટલમાં ડોક્ટરનો આપઘાત
શહેરમાં ડોક્ટરના આપઘાત બાદ વાયરલ થયેલી સુસાઈડ નોટમાં જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણ ચુડાસમાના નામ આવતા હોબાળો મચ્યો છે. કોઈ મોટી રકમની લેવડદેવડ મામલે ડોકટર ચગે આત્મહત્યા કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. વેરાવળના એસ.ટી વિસ્તારમાં તેમની હોસ્પિટલ આવેલી છે. ડોકટર એક જાણીતા તબીબ હોવાના કારણે પ્રતિષ્ઠિત હતા. સારી નામના ધરાવતા હોવા છતાં આ પગલું ભર્યું તેથી લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે. પોતાની હોસ્પિટલમાં જ ઉપરના માળે જઈ ગળેફાંસો ખાઇ આપઘાત કયોઁ હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp