‘રસ્તો ન બન્યો, લાઈટ ગઇ એમાં ન પડવું, આંખ મીંચીને ભાજપને મત આપજો’ નૌતમ સ્વામીનો વીડિયો વાયરલ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ આ વખતે બરાબર જામ્યો. આ વખતે ચૂંટણીમાં રાજકીય નેતાઓ તો પોત-પોતાના પક્ષો માટે પ્રચાર કરી જ રહ્યા છે. પરંતુ સાથે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ આ વખતે બરાબર જામ્યો. આ વખતે ચૂંટણીમાં રાજકીય નેતાઓ તો પોત-પોતાના પક્ષો માટે પ્રચાર કરી જ રહ્યા છે. પરંતુ સાથે સાથે હવે સંત સમાજ પણ ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ આ વખતે હિન્દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. એક વક્તવ્ય દરમિયાનનો નૌતમ સ્વામીનો આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં નૌતમ સ્વામીએ શું કહ્યું?
આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્વામી કહી રહ્યા છે કે,ભાજપના રાજના કારણે હિન્દુઓ આજે ગર્વથી મસ્તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન કોઇ હેરીડીટરીમાં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દી એ હિંદુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું રસ્તો બન્યો ન બન્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. આવી ખાસ તમને અપીલ કરું છું.

ચૂંટણી પહેલા પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે પક્ષો
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીને લઈને તમામ પક્ષો પ્રચાર કાર્ય કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. જ્યારે કોંગ્રેસે પણ 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી તરફ ભાજપ હજુ પણ ઉમેદવારો નક્કી કરી રહ્યો છે.

    follow whatsapp