મહીસાગર: રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોને સામે આવીને વધુ વ્યાજ વસૂલનારા લોકો સામે ફરિયાદ કરવા પોલીસ લોક દરબાર યોજીને જાગૃત કરી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લામાં 80 હજાર સામે 2 લાખ વસૂલ કરવા છતાં વધુ 6 લાખની માગણી કરનારા વ્યાજખોરની અટકાયત કરી લેવામાં આવી છે.
ADVERTISEMENT
વ્યાજખોરની પોલીસે કરી અટકાયત
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા ખાતે કિરીટસિંહ પુવાર નામના આરોપી સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ફરિયાદીને 80 હજાર આપ્યા તેની સામે 2.15 લાખ રૂપિયા લીધા હતા. જોકે તેમ છતાં પણ વધુ 6 લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો. આથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપી કિરીટસિંહની અટકાયત કરી લીધી છે.
પોલીસે અન્ય લોકોને પણ ફરિયાદ કરવા અપીલ કરી
નાયબ જિલ્લા પોલીસવડા પી.એસ વળવી એ સમગ્ર મામલે તપાસ કરી રજીસ્ટર સહિત અન્ય વસ્તુઓ કબજે કરી વ્યાજખોર આરોપી સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમજ મહીસાગર જિલ્લાની જનતાને વ્યાજખોરો સામે ફરિયાદ કરવા તેમણે અપીલ કરી હતી અને ફરિયાદ મળતા જ તાત્કાલિક કાર્યવાહીની ખાતરી આપી હતી. મહીસાગર જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જુદા જુદા તાલુકાના પોલીસ સ્ટેશને વ્યાજખોરો સામે 12 જેટલી અરજીઓ મળી છે.
(વિથ ઈનપુટ: વિરેન જોશી)
ADVERTISEMENT