વડોદરા: મોરબીમાં રવિવારે તૂટી ગયેલા ઝૂલતા બ્રિજમાં અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા. આ ઘટના બાદ રાજ્યભરમાં સ્થાનિક તંત્ર બેબાકળું થઈને જાગ્યું છે અને જર્જરિત બ્રિજને તોડવાની કે રીપેર કરવાની કામગીરી કરી રહ્યું છે. આ વચ્ચે વડોદરામાં પણ વિશ્વામિત્રી નદી પર જોખમી બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
ADVERTISEMENT
સ્થાનિકોએ બનાવેલો બ્રિજ તોડવા પહોંચ્યું તંત્ર
વડોદરાના નાગરવાડામાં વિશ્વામિત્રી નદી પર કૃષ્ણનગરના રહીશોએ આવજા કરવા માટે નદીના નાળા પર ભંગાર વસ્તુઓમાંથી કામચલાઉ સાંકડો બ્રિજ બનાવેલો છે. મીડિયામાં આ બ્રિજના અહેવાલો આવ્યા બાદ અધિકારીઓની નજર તેના પર પડી હતી અને આજે અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરાતા જ સ્થાનિક લોકોએ ભારે હોબાળો કર્યો હતો. જોકે સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ અધિકારીઓએ બ્રિજને તોડી પાડ્યો હતો.
લોકોએ થાંભલા, લોખંડની પાઈપોમાંથી બ્રિજ બનાવ્યો હતો
નોંધનીય છે કે આ બ્રિજને સરકાર કે કોર્પોરેશને નહીં પરંતુ સ્થાનિક લોકોએ જ મળીને ભંગાની વસ્તુઓમાંથી બનાવ્યો છે. જેમાં થાંભલા, લોખંડની પ્લેટો, લાકડાના પાટિયા વગેરેમાંથી બનાવેલો છે. ચોમાસામાં નદીમાં પાણી આવે ત્યારે બ્રિજ તૂટવાનો ભય રહેતો હોય છે, લોકોને પણ ખૂબ તકલીફ પડતી હોય છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાય છે, પરંતુ લોકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી.
ADVERTISEMENT