દુર્ગેશ મહેતા/ ગાંધીનગર: વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે કરાઈ એકેડમીમાં પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા બોગસ PSI મયુર તડવીનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષ દ્વારા આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી હતી. જોકે આજે આ મુદ્દે ચર્ચા ન થતા વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
યુવરાજસિંહે ભરતીમાં કૌભાંડનો કર્યો હતો પર્દાફાસ
કરાઈ એકેડમીમાં બોગસ PSI બનીને ટ્રેનિંગ લેતા મયુર તડવીનો પર્દાફાસ બે દિવસ પહેલા યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કર્યો હતો. જે બાદ ગઈકાલે કરાઈ એકેડમી તરફથી પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી. જેમાં આ મામલાની કરાઈ એકેડમીમાં ઉચ્ચ અધિકારીઓને અગાઉથી જાણ હોવાનું કહેવાયું હતું. ઉપરાંત તેઓ મયુર તડવી પર નજર રાખીને તેની સાથે આ કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે તે મામલે ગુપ્ત તપાસ કરી રહ્યા હતા. સમગ્ર મામલે કૌભાંડ સામે લાવનારા યુવરાજસિંહ સામે પણ પ્રશ્નો કરાયા હતા.
વિપક્ષે આ મુદ્દે ચર્ચાની માગણી કરી
એવામાં વિધાનસભામાં આજે મળેલા બજેટ સત્રમાં વિપક્ષ દ્વારા 166ની નોટિસ આપવામાં આવી હતી અને આ મુદ્દે આજે જ ચર્ચા કરવાની માંગ કરાઈ હતી. જોકે અધ્યક્ષે કહ્યું હતું કે, ચર્ચાનો બે દિવસનો નિયમ હોય છે. અધ્યક્ષના ચૂકાદા બાદ કોંગ્રેસ-AAPના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાંથી વોકઆઉટ કરવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી હતી. બીજી તરફ હોબાળાને પગલે કોંગ્રેસ-AAPના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હર્ષ સંઘવીએ શું કહ્યું?
બીજી તરફ હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર ઘટના છે. તેની તપાસ ડીજીપી દ્વારા ચાલતી હતી. હું તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છું. વિધાનસભા ગૃહ બહાર આ મામલે જવાબ મળશે.
ADVERTISEMENT