અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી જાહેર થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપે દિવાળી પર્વ પણ ચૂંટણીની કામગીરી શરૂ રાખી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે આવતી કાલે અમિત શાહ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજશે.
ADVERTISEMENT
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ એક હથ્થું શાસન ચલાવી રહી છે ત્યારે સત્તાનું પુનરાવર્તન માટે ભાજપ એક બાદ એક પાસા ફેકી રહી છે. તહેવારો પર પણ ચૂંટણીની તૈયારી પર બ્રેક લગાવવામાં આવી નથી. આવતીકાલે અમિત શાહ સોમનાથ પહોચશે અને સૌરાષ્ટ્ર ઝોનની રણનીતિ તૈયાર કરશે.
સૌરાષ્ટ્ર ઝોનની ઘડશે રણનીતિ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગ યોજશે. જેમાં સવારે 9 કલાકે સોમનાથ પહોચશે. ત્યારબાદ વેરાવળ એપીએમસી પર સૌરાષ્ટ્ર ઝોનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી અંગે રણનીતિ ઘડવામાં આવશે અને ચૂંટણીમાં ટિકિટ ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં 1 કેશોદ ને બાદ કરતા જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીની તમામ બેઠકો પર ભાજપનો સફાયો થયો હતો. ત્યારે સૌરાષ્ટ્રના છેવાડાના આ ત્રણ જિલ્લાઓમાં વિશેષ રૂપે ભાજપ પોતાનું અસ્તિત્વ ટકાવે અને કમબેક કરે તેના માટે અમિત શાહ સામ-દામ દંડ ભેદ તમામ નીતિ અપનાવશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ટ્રસ્ટના અમિત શાહ અને નરેન્દ્ર મોદી ટ્રસ્ટી હોય ત્યારે સોમનાથ બેઠક જીતવા માટે અમિત શાહ હંમેશા ઉત્સુક રહ્યા છે, 2017 ના વર્ષમાં ભાજપે સોમનાથ બેઠક ગુમાવી તેનો મલાલ ચોક્કસથી ભાજપને રહ્યો હતો. ત્યારે કોઈપણ ભોગે સોમનાથ સીટ તો ભાજપને જ ફાળે જાય તેવી રણનીતિ નક્કી કરાશે
2017નું પરિણામ સૌરાષ્ટ્ર ઝોન
2017ની ચૂંટણીમાં ભાજપને 23 અને કોંગ્રેસને 30 જ્યારે એનસીપીને 1 સીટ મળી હતી. જિલ્લા પ્રમાણે વાત કરીએ તો કચ્છ, રાજકોટ, પોરબંદર, ભાવનગરમાં ભાજપનું પ્રભુત્વ વધુ જોવા મળ્યુ હતુ. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ જોવા મળ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં ભાજપ-કોંગ્રેસને એકસરખી સીટ મળી હતી.
સૌરાષ્ટ્ર કચ્છ ઝોનની હાલની સ્થિતિ
આ ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 20 એનસીપી પાસે 1 બેઠક છે. તથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે જ્યારે જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાયસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરી દેતા આ બેઠક પણ ખાલી છે. 2022 આવતા આવતા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં કોંગ્રેસે 10 ધારાસભ્યો ગુમાવ્યા. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં ભાજપની પકડ વધુ મજબૂત થઈ.
વિથ ઈનપુટ: કૌશલ જોશી
ADVERTISEMENT