રાજકોટ: રાજ્યમાં પડી રહેલી હાડ થીજવતી ઠંડી વચ્ચે યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં આંખ ઉઘાડનારા બે કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં પ્રથમ કિસ્સામાં ક્રિકેટ રમતા યુવકને છાતી પર બોલ વાગ્યા બાદ ચાલુ મેચમાં જ હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કિસ્સામાં મેદાનમાં ફૂટબોલ રમતા સમયે 21 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
ક્રિકેટ રમતા યુવકને છાતી પર બોલ વાગ્યો હતો
પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ નામનો યુવક રવિવારે સવારે મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો. દરમિયાન બેટિંગ કરતા તેને છાતી પર ટેનિસનો બોલ વાગ્યો હતો. આથી તેને શ્વાસ ચડતા રનર રાખ્યો હતો. જોકે બેટિંગ કરીને આઉટ થયા બાદ તે ટીમ સાથે બેઠો હતો ત્યારે જ છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને અચાનક બેભાન થઈને નીચે પડી જતા મિત્રો ત્યાં દોડી આવ્યા હતા. જ્યાં તેને પમ્પિંગ કરીને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું.
21 વર્ષના યુવકને ફૂટબોલ રમતા એટેક આવ્યો
જ્યારે અન્ય એક ઘટનામાં ગાંધીધામાં રહેતો અને રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતો 21 વર્ષનો યુવક સવારે કોલેજના કેમ્પસ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમી રહ્યો હતો. દરમિયાન તે એકાએક બેભાન થઈને ઢળી પડ્યો હતો. આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર પહેલા જ તેનું મોત થઈ ગયું. આમ એક જ દિવસમાં બંને યુવકોના મેદાન પર હાર્ટ એટેકથી નિધન થતા ચકચાર મચી જવા પામી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT