સુરત: સુરતમાં અમદાવાદ જેવી વધુ એક દુર્ઘટના ઘટી છે. જેમાં લિફ્ટનું રિપેરીંગ કરતા સમયે નીચે પડી જતા બે કારીગરના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. નિર્માણાધીન બિલ્ડીંગમાં લિફ્ટનું સેટઅપ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બંને કારીગર નીચે પડ્યા હતા. અને તેમનું દર્દનાક મોત થયું હતું.
ADVERTISEMENT
એકને બચાવવા જતા બીજો નીચે પડ્યો
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે પ્લેડિયમ રેસિડેન્સીમાં મોટી દુર્ઘટના ઘટી છે. આ નિર્માણાધિન બિલ્ડીંગમાં 14મા માળે લિફ્ટનું સેપટપ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક કારીગરનું બેલેન્સ લથડતા તે બીજો તેને બચાવવા ગયો. આમ નિલેશ પાટીલ અને આકાશ બોરસે નામના બે કારીગરોના નીચે પટકાતા મોત થયા હતા.
કેવી રીતે બની ઘટના?
સમગ્ર ઘટનાને લઈને ડીપીસી સાગર વાધમારે જણાવ્યું હતું કે, પ્લેડિયમ રેસિડેન્સીમાં ઘટના બની છે. આ આખી સોસાયટી હાલ બની રહી છે. હાલ આ રેસીડેન્સીમાં લિફ્ટના સેટ-અપનું કામ ચાલતું હતું અને વર્કર્સ કામ કરતા હતા. લિફ્ટના સેટ-અપ માટે ડ્રિલિંગનું કામ ચાલી રહ્યું હતું. સ્ટૂલ પરથી બેલેન્સ લથડતા એકને બચાવવા જતા બીજો વર્કર પણ સાથે નીચે પટકાયા હતા. જેથી બંનેના મોત થયા છે.
અમદાવાદમાં પણ બની હતી આવી ઘટના
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ અમદાવાદમાં પણ આ પ્રકારની એક ઘટના બની હતી. જેમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નિર્માણાધિન એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં કામ કરતા 7 મજૂરનો મોત થયા હતા. બિલ્ડીંગના 13મા માળ પર સેન્ટીંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં 7 મજૂરોના મોત થયા હતા જ્યારે 1 મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.
(વિથ ઈનપુટ: સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT