અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Election) પહેલા રાજકીય પાર્ટીઓ દ્વારા પૈસાની રેલમછેલ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠે છે. આ વચ્ચે રાજસ્થાન બોર્ડરેથી ગુજરાત જતી બે કારની પોલીસે તપાસ કરી હતી. જેમાંથી પોટલામાં કરોડો રૂપિયા ભરેલા મળી આવ્યા હતા. જે બાદ પોલીસે 4 વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓ સંતોષજનક જવાનો આપી શક્યા નહોતા. જેથી આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ગુજરાત પાસિંગની ગાડીઓમાંથી પોટલા ભરીને પૈસા નીકળ્યા
ચૂંટણી પહેલા જ ગુજરાતમાં 2 ગાડીઓથી કરોડો રૂપિયા ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત બોર્ડરે આવેલા અમીરગઢ નજીક રાજસ્થાનમાં ડ્યૂટી પર તહેનાત પોલીસ કર્મીઓ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાત પાસિંગની બે ગાડીઓ જોવા મળી હતી. જેને અટકાવીને તપાસ કરતા તેમાંથી કોથળામાં ભરેલા 5.94 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે કારમાં બેઠેલા વ્યક્તિઓની પૂછપરછ કરતા તેઓ આ પૈસા કોના છે અને ક્યાં લઈ જઈ રહ્યા છે તેના પર સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. એવામાં 4 વ્યક્તિઓની અટકાયત કરી કાર જપ્ત કરી લીધી હતી.
પોલીસે આવકવેરા વિભાગને જાણ કરી
પોલીસ દ્વારા સમગ્ર મામલે આવકવેરા વિભાગને જાણ કરવામાં આવી હતી અને તપાસ આવકવેરા વિભાગના અધિકારીઓને સોંપી દેવામાં આવી છે. ગાડીમાંથી મળેલા નોટોના બંડલ એટલા બધા હતા કે તેને ગણવા માટે પોલીસે મશીન મગાવવું પડ્યું. ગુજરાતમાં ચૂંટણી નજીક છે એવામાં આ પૈસા કોણે મગાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
4 વ્યક્તિઓ સહિત બે કાર જપ્ત કરાઈ
આ સમગ્ર મામલે આબુરોડના પોલીસ અધિકારી યોગેશ શર્માએ જણાવ્યું હતું કે, આજે સવાલે માલવ ચોકી પર નાકાબંધી દરમિયાન બે ગાડીઓ પકડાઈ છે. જેમાં ચાર વ્યક્તિઓ હતા. બંને ગાડીઓમાંથી મોટા પ્રમાણમાં ચલણી નોટો મળી આવી છે. આ માટે આવકવેરા વિભાગને જાણ કરી દેવામાં આવી છે. આવકવેરા વિભાગ આવીને આગળની કાર્યવાહી હાથ ધરશે.
ADVERTISEMENT