Election Results: ત્રિપુરા-નાગાલેન્ડમાં ભાજપની સરકાર નક્કી, મેઘાલયમાં ત્રિશંકુ સરકારના અણસાર!

નવી દિલ્હી: પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે સવારથી મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના 5 કલાકો બાદ ત્રિપુરા અને નાગાલેન્ડમાં તસવીર સ્પષ્ટ થતા…

gujarattak
follow google news

નવી દિલ્હી: પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે સવારથી મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના 5 કલાકો બાદ ત્રિપુરા અને નાગાલેન્ડમાં તસવીર સ્પષ્ટ થતા દેખાઈ રહી છે. ત્રિપુરામાં ભાજપ તો નાગાલેન્ડમાં NDPP(ભાજપનું ગઠબંધન)નું સત્તામાં કમબેક લગભગ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્રણેય રાજ્યોમાં 60-60 સીટો છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી તો નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થઈ હતી. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે, જ્યારે નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનવાળી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ની સરકાર છે.

ત્રિપુરામાં શું છે સ્થિતિ?
બપોરે 2 વાગ્યાની સ્થિતિમાં ત્રિપુરામાં 60 સીટોમાંથી ભાજપ 15 સીટ જીતી ચૂક્યું છે જ્યારે 19 સીટો પર આગળ ચાલી રહ્યું છે. લેફ્ટ 5 સીટો જીતી છે અને 9 સીટોમાં આગળ છે, જ્યારે TMPએ 6 સીટો જીતી અને 6 સીટોમાં આગળ છે.

મેઘાલયમાં કોંગ્રેસ ત્રિશંકુ સરકાર અણસાર
મેઘાલયમાં પણ બપોરે 2 વાગ્યા સુધીની સ્થિતિમાં કોંગ્રેસ માત્ર 1 સીટ જીતી છે અને 4 સીટો પર આગળ છે. જ્યારે NPPએ 8 સીટો જીતી છે અને 18 સીટોમાં આગળ ચાલી રહી છે. ભાજપે 3 સીટોમાં આગળ છે અને હજુ સુધી જીતનું ખાતું ખોલાવ્યું નથી. તો અન્યના ખાતે 5 સીટો ગઈ છે અને વધુ 20 અન્ય ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે.

નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનની સરકાર નક્કી
નાગાલેન્ડની વાત કરીએ તો અહીં ભાજપના ગઠબંધનવાળી NDPPને 15 બેઠકો પર જીત મળી છે અને 24માં હજુ તે આગળ છે. જ્યારે NPFનું જીતનું ખાતું ખુલ્યું નથી અને તે 1 સીટ પર આગળ છે. કોંગ્રેસના તો અહીં સૂપડા એકદમ સાફ થઈ ગયા છે. પાર્ટીને અહીં જીતનું ખાતું ખુલ્યું જ નથી અને તે એકપણ બેઠક પર લીડ કરી રહી નથી. તો અન્યના 8 ઉમેદવારો જીત્યા છે અને વધુ 12 અન્ય ઉમેદવારો હાલમાં આગળ ચાલી રહ્યા છે.

    follow whatsapp