મહેસાણા: ઉત્તરાયણના તહેવારને હવે માત્ર 1 દિવસ જ બાકી રહ્યો છે. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની લોકો ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે. તેમાં પણ પતંગ રસિકો દિવસો અગાઉથી જ પતંગ-દોરી લેવા માર્કેટમાં ભીડ જામતી હોય છે. જોકે ઘણીવાર તૈયાર દોરીમાં ગ્રાહકોને ઓછી દોરી મળતી હોવાની ફરિયાદ ઉઠતી હોય છે. મહેસાણામાં પણ તોલમાપ વિભાગ દ્વારા પતંગ વિક્રેતાના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ફીરકીના માપ કરતા ઓછી દોરી ગ્રાહકોને અપાતી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
ઉત્તરાયણ પહેલા તોલમાપ વિભાગના દરોડા
તોલમાપ વિભાગના દરોડામાં 900 મીટરની ફીરકીની તૈયાર દોરીમાં અંદર માત્ર 254 મીટર દોરી જ નીકળી હતી. એટલે ગ્રાહકોને ફીરકી દીઠ 646 મીટર ઓછી દોરી આપવામાં આવતી હતી અને પૈસા પૂરા વસૂલવામાં આવતા હતા. આ સાથે જ તોલમાપ વિભાગે 5 સ્થળોએ તપાસ કરી અને કેટલાક નિયમોનું પાલન ન કરવા બદલ કુલ 5 જેટલા એકમોને દંડ કર્યો અને 1.11 લાખ રૂપિયા વસૂલ કર્યા હતા.
પ્રતિબંધ છતાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ
નોંધનીય છે કે, ઉત્તરાયણના પર્વમાં પ્રતિબંધ છતા ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે જીવલેણ અકસ્માત થઈ રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે જ ખેડામાં એક યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાતા મોત થઈ ગયું હતું. બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ એક મહિલાનું ચાઈનીઝ દોરીથી ગળું કપાતા હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરવામાં આવી છે.
ADVERTISEMENT