હેતાલી શાહ, ખેડા: સામાજિક કાર્યકર અને સોશિયલ મીડિયાથી પ્રસિદ્ધ થયેલ મહિપતસિંહ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી છે. મહિપતસિંહ ચૌહાણ દ્વારા સોશ્યલ મીડિયામાં લાઈવ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. સાથે જ મહિપતસિંહ ચૌહાણ દ્વારા માતર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. જેમાં મહિપતસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે.
ADVERTISEMENT
વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની માતર અને ખંભાત બેઠક પર મહિપતસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારથી ઇલેક્શનનો માહોલ બન્યો હતો ત્યારથી જ મહિપતસિંહ ચૌહાણ ચર્ચામાં આવ્યા હતા. જોકે બંને બેઠક પરથી તેઓ હારી ગયા છતાય સામાજિક કાર્યકર તરીકે મહિપતસિંહ ચૌહાણ શ્રમિકોના હક્ક તથા જરૂરિયાત મંદ લોકો માટે પોતાની કામગીરી ચાલુ રાખી છે. અને વારંવાર તેઓ સરકાર અને કંપનીના માલિકોને ખુલ્લી ખોટુ ન કરવાની ચેતવણી પણ આપી ચૂક્યા છે. ત્યારે હવે મહિપતસિંહને જાનથી મારી નાખવાની ધમકી મળતા તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે.
વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાય દિવસથી ખેડા જિલ્લામાં આવેલી સ્વીટકો કંપનીના શ્રમિકો 441 રોજના 8 કલાકનો પગાર મળે તે માટે કંપની સામે મોરચો માંડીને બેઠા છે. અને આ શ્રમિકોની વ્હારે મહિપતસિંહ ચૌહાણ પણ પહોંચી ગયા. મહિપતસિંહ ચૌહાણ દ્વારા છેલ્લા એક મહિનાથી થી પણ વધુ સમયથી સોશિયલ મીડિયામાં લાઈવ થઈને સરકાર અને કંપનીને ચેતવણી પણ આપી હતી. ત્યાં સુધી કે મહિપતસિંહ ચૌહાણ ગાંધીનગરમાં પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે શ્રમિકોની 441 રોજના પગાર મળવાની લડત હજી ચાલુ જ છે. એવામાં આજે મહિપતસિંહ ચૌહાણ માતર પોલીસ મથકે પહોંચ્યા તે પહેલા તેઓએ સોશ્યલ મીડિયામાં લાઇવ પણ કર્યું. જેમાં તેમણે સ્વીટકો કંપનીના માલિકો સામે આક્ષેપ કર્યો છે કે તેમના લોકો દ્વારા મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ મહિપતસિંહ ચૌહાણ એ માતર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.
જાણો શું છે ફરિયાદમાં
ફરિયાદમાં જણાવ્યા અનુસાર,” મહિપતસિંહ ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામની સીમમાં શિક્ષણ એ જ કલ્યાણ નામથી શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. આ સંસ્થામાં અનાથ – ગરીબ બાળકોને મફત રહેવાનું જમવાનું તથા મફત શિક્ષણ આપવામાં આવે છે. ગત રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર અજાણ્યા ઈસમે ફોન કરીને ધમકી આપી કે, સ્વીટકો કંપની ઇન્ડસ્ટ્રીના કામદારો માટે લડવાનું નથી. આ મેટરમાંથી હટી જાઓ નહીંતર તમારી સાથે ખોટું થઈ જશે. જો કે મહિપતસિંહ એ આ વાતને ગંભીરતાથી લીધી નહીં અને તેઓ ઘરે સુઈ ગયા. ત્યારબાદ રાતના 1:00 વાગ્યા અરસામાં શિક્ષણ એ જ સંકુલ સંસ્થામાંથી ફોન આવ્યો કે, કોઈએ સંકુલમાં આગ લાગી છે તેવી ખોટી માહિતી આપી છે. જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ સંકુલમાં પહોંચી છે. પરંતુ સંકુલમાં કોઈ આગ લાગી જ નહોતી. જેથી ફાયર વિભાગની ટીમને ફેક કોલ આવ્યો છે તેવું લેખિત લખાણ આપીને રવાના કરવામાં આવ્યા હતા. તે બાદ દસ મિનિટ પછી ફરીથી મહિપતસિંહ ચૌહાણને ફોન આવ્યો અને કહ્યું કે આ ટ્રેલર જોયું, પિક્ચર હજુ બાકી છે. ચાર વાગે ન્યુઝમાં આવી જશે કે મહિપતસિંહ મરી ગયા. હજુ પણ સમય છે સ્વીટકો કંપનીના વિડીયો ડીલીટ કરી દો. તમો બચી જશો. તેવી ધમકી ફોન પર આપવામાં આવતા મહિપતસિંહ એ આ વસ્તુ ગંભીરતાથી લઈ અને માતર પોલીસમાં જાણ કરી જેને લઈને માતર પોલીસ રાત્રે જ મહિપતસિંહ ચૌહાણ ના ઘરે પહોંચી અને તેમને પોલીસ પ્રોટેકશન પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહિપતસિંહ ચૌહાણ એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા દોઢ એક માસથી સ્વીટકો કંપનીના કામદારોના હક માટે લડત ચલાવે છે. અને અજાણ્યા નંબરોના જે વપરાશકારો છે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે જ પોલીસપ્રોટેકશનની પણ માંગ કરવામાં આવી છે.
મારી નાખવાની મળી ધમકી
મહત્વનું છે કે મહિપતસિંહ ચૌહાણ દ્વારા આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં સોશિયલ મીડિયામાં લાઈવ કરીને પોતાને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની સૌ પ્રથમ વાત કરી હતી. જેમાં તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે રોજ ધમકીઓ મળે છે પરંતુ ધ્યાન નથી આપવામાં આવતું જોકે ગત રાત્રીએ જે ધમકી આપવામાં આવી તે બાદ બહુ બધી સંકુલે ફાયર બ્રિગેડ ની ગાડી આવી ગઈ અને ખોટી ઇન્ફોર્મેશન આપી અને અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો મને ખબર છે કે આ વ્યક્તિ કોણ છે. અને મહિપતસિંહ ચૌહાણ એ વ્યક્તિનો કોલ રેકોર્ડ પણ કરેલો છે. જેમાં તેમને ધમકી આપવામાં આવી છે. મહિપતસિંહ ચૌહાણે સોશ્યલ મીડિયામાં લાઈવ કરીને એ કોલ રેકોર્ડિંગ પણ સંભળાવ્યું છે અને ત્યારબાદ માતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જો કે મહિપતસિંહ ચૌહાણ દ્વારા કરાયેલ આક્ષેપ સાથેની ફરીયાદ અંગે સ્વીટકો કંપની તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ હજી સુધી સામે આવ્યું નથી.
ADVERTISEMENT