અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અંતિમ અને સીરિઝની નિર્ણાયક ટી-20 મેચ રમાવાની છે. જેને લઈને બંને ટીમોના ખેલાડીઓ તૈયાર છે. અત્યાર સુધી રમાયેલી બે ટી-20 મેચોમાંથી એકમાં ન્યૂઝીલેન્ડ તો એકમાં ભારતને જીત મળી છે. એવામાં હવે સૌ કોઈની નજર આજની મેચ પર છે. ત્યારે મોદી સ્ટેડિયમમાં મેચ જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકો પહોંચે તેવી આશા છે. એવામાં અમદાવાદ મેટ્રોના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મેટ્રોના સમયમાં કરાયો વધારો
આજે મેચના પગલે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેટ્રોમાં મુસાફરી કરે અને ટ્રાફિક જામથી બચી શકે તે માટે અમદાવાદના પૂર્વ પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડનારી મેટ્રોનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને વધારવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આજે મેચ દરમિયાન સવારે 7 વાગ્યાથી શરૂ થનારી ટ્રેન રાત્રે 12.30 વાગ્યા સુધી દોડશે. મુસાફરોને સાબરમતી મેટ્રો સ્ટેશન અને મોટેરા સ્ટેડિયમથી દર 15 મિનિટે ટ્રેન મળશે.
80 હજારથી વધુ દર્શકો મેચ જોવા આવી શકે
નોંધનીય છે કે આજની મેચમાં 80 હજારથી પણ વધુ દર્શકો ઉપસ્થિત રહી શકે છે. ત્યારે મેચ જોવા આવનારા લોકો માટે 15 જેટલા અલગ-અલગ પાર્કિંગ લોકેશન આપવામાં આવ્યા છે. જોકે આ પાર્કિંગ સ્ટેડિયમના પ્રવેશ દ્વારથી અડધો કિલોમીટર દૂર હોવાના કારણે લોકોએ એટલું ચાલીને આવવું પડી શકે છે. મેચ બાદ ફરી રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે. એવામાં પાર્કિંગથી છૂટકારો મેળવવા ઈચ્છતા દર્શકો માટે મેટ્રો બેસ્ટ ઓપ્શન રહેશે. કારણ કે મેટ્રો સ્ટેશન સ્ટેડિયમના ગેટથી માત્ર 50 મીટર દૂર છે અને મેચ બાદ પણ તેઓ મેટ્રોમાં બેસીને આરામથી ઘરે પહોંચી શકે છે.
ADVERTISEMENT