તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, જૂનાગઢમાં મહાદેવના મંદિરમાંથી નાગદેવતાના ચાંદીના થાલા ચોરાયા

ભાર્ગવી જોશી/જૂનાગઢ: રાજ્યમાં દિવસેને દિવસે તસ્કરોનો ત્રાસ વધતો જાય છે. તહેવારની સીઝનમાં બંધ ઘરોને નિશાન બનાવતા તસ્કરો હવે મંદિરમાં ભગવાનને પણ નથી છોડી રહ્યા. વંથલીના…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: રાજ્યમાં દિવસેને દિવસે તસ્કરોનો ત્રાસ વધતો જાય છે. તહેવારની સીઝનમાં બંધ ઘરોને નિશાન બનાવતા તસ્કરો હવે મંદિરમાં ભગવાનને પણ નથી છોડી રહ્યા. વંથલીના બંધડા ગામમાં તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા અને રૂ.3 લાખની કિંમતના નાગદેવતાના ચાંદીના થાલા લઈને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ધોરાજીમાં BJPના ધારાસભ્યની કારનો અકસ્માત, વીજપોલ સાથે અથડાઈ કાર

3 લાખના ચાંદીના થાલા ચોરાયા
પ્રાપ્ત વિગતો મુજબ, વંથલીના બંધડા ગામે આવેલા પ્રસિદ્ધ અને અતિ પૌરાણિક એવા બંધનાથ મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરો મંદિરના તાળા તોડી નાગદેવતાના ચાંદીના થાલા (કિંમત આશરે 3 લાખ) ચોરી જતા ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઈ છે. આ અંગે મંદિરના પૂજારી દિલીપગીરી બાપુએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, વહેલી સવારે 4 વાગે મંદિરે જતા જાળીનું તાળું તૂટેલ જોવા મળ્યું હતું. અંદર જોતા નાગદેવતાના ચાંદીના થાલા જેની કિંમત આશરે 3 લાખ છે, તે નજરે ન પડતા ચોરી થયા હોવાનું લાગતા ગ્રામજનોને જાણ કરી હતી. ત્યારબાદ વંથલી પોલીસને જાણ કરતા DySP બી.સી.ઠક્કર, PSI એમ.કે.મકવાણા તેમજ સ્ટાફે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ઉત્તરાયણની સાંજે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, પૂર્વ પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી યુવકને પતાવી દીધો

અજાણ્યા ચોરોને પકડવા પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સી.સી.ટી.વી કેમેરા તપાસી ગુનેગારો સુધી પહોંચવા હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંધડા ખાતે આવેલું બંધનાથ મહાદેવનું મંદિર વંથલી તેમજ આજુબાજુના ગામોના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે આ બનાવથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. તેમજ આ શેતાની કૃત્ય કરનારા આરોપીઓને તાત્કાલિક પકડી ગુનેગારોને આકરી સજા આપવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.

    follow whatsapp