આણંદ: દિવાળીના તહેવારમાં હવે તો લોકોના ઘર-દુકાનો છોડો, પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી રહ્યા. આણંદ જિલ્લામાં કેટલાક શખ્સોએ પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરીને પોલીસને પડકાર આપ્યો હતો. પોલીસ સ્ટેશનના સ્ટોર રૂમમાં મૂકેલો રૂ.8 લાખની કિંમતનો ગાંજો ચોરીને ચોર ફરાર થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ કેવી રીતે આવ્યો, તેને લઈને દરેક પોલીસ કર્મચારીના મનમાં સવાલો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
4 વર્ષ અગાઉ કબ્જે લીધેલા ગાંજાના મુદ્દામાલની ચોરી
ઘટનાની વિગતો મુજબ, બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી 4 વર્ષ અગાઉ કબ્જે લીધેલા ગાંજાના મુદ્દામાલની ચોરી થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસના નાક નીચેથી પોલીસ સ્ટેશનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ પોલીસ સ્ટેશનના રૂમની પાછળની બારીના સળિયા ખેંચી, ઈંટો કાઢી અને પછી રૂમમાં પડેલો રૂ.8.60 લાખની કિંમતનો 144 કિલો ગાંજો લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ સ્ટેશનમાંથી જ ચોરોએ હાથ સાફ કર્યા
પોલીસ સ્ટેશનમાંથી જ ચોરી થતા પોલીસની આબરુના લીરેલીરા ઉડ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. એસ.ઓ.જી, એલસીબી સહિતની ટીમોએ ચોરોને પકડવામાં લાગી છે. ત્યારે સવાલ એ થાય છે કે જે પોલીસ પર લોકોની સેવા-સુરક્ષાની જવાબદારી છે તેઓ જ પોલીસ સ્ટેશનમાં ચોરી થતા ઊંઘતા ઝડપાઈ ગયા. ત્યારે હવે સામાન્ય નાગરિકો પોલીસ પાસેથી શું અપેક્ષા રાખે?
(વિથ ઈનપુટ: હેતાલી શાહ)
ADVERTISEMENT