લીમડી બેઠક પર જામશે ખરાખરીનો જંગ , જાણો આ સીટનું સમીકરણ

દિગ્વિજય પાઠક, વડોદરા: લીંબડી વિધાનસભા મતવિસ્તાર એ સુરેન્દ્રનગરમાં આવેલ રાજ્યનો વિધાનસભા મત વિસ્તાર છે. લીંબડી બેઠકના અત્યાર સુધીના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક, વડોદરા: લીંબડી વિધાનસભા મતવિસ્તાર એ સુરેન્દ્રનગરમાં આવેલ રાજ્યનો વિધાનસભા મત વિસ્તાર છે. લીંબડી બેઠકના અત્યાર સુધીના ઈતિહાસની વાત કરીએ તો આ બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. જોકે, આ બેઠક પરથી ભાજપના કિરીટસિંહ રાણા મોટાભાગે ચૂંટણી લડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કોળી પટેલ મતદારો મોટી સંખ્યામાં હોવાથી તેમની અવગણના કોઈપણ પક્ષ માટે નુકસાનકારક બની શકે છે. અહીં અન્ય સમાજના લોકોનું વર્ચસ્વ પણ જોવા મળે છે જેને અવગણી શકાય તેમ નથી. સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની ગણાય છે. AAP મતદારોનું વિભાજન કરી બેઠક જીતવાનો પ્રયાસ કરશે.

ચૂંટણી મુદ્દો
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિકાસના મુદ્દે મેદાનમાં ઉતર્યું છે. જ્યારે કોંગ્રેસે ખેડૂતો અને પક્ષપલટા ઉમેદવારોને મુદ્દો બનાવીને પ્રચાર કર્યો હતો. મતદારોની વાત કરવામાં આવે તો સ્થાનિક ઉમેદવારો અને રસ્તા, પાણી જેવા સ્થાનિક મુદ્દા મતદારો માટે મહત્વના ગણવામાં આવે.

2 ટર્મમાં 4 ચૂંટણી યોજાઇ
2012માં કોંગ્રેસ આ બેઠક જીતી હતી પરંતુ તે જ વર્ષે પેટાચૂંટણી આવી અને 2013માં ભાજપે આ બેઠક જીતી લીધી. બાદમાં 2017માં આ સીટ કોંગ્રેસ જીતી હતી પરતું ફરી સોમા ગાંડા પટેલે રાજીનામું આપ્યું અને ફરી આ બેઠક ભાજપના હાથમાં આવી. આમ છેલ્લા 10 વર્ષમાં 4 વખત આ બેઠક પર ચૂંટણી યોજાઇ.

મહત્વનો રાજકીય ઇતિહાસ
2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા

2017નું મતદાન અને પરિણામ
લીંબડી મતવિસ્તારમાં 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 63.11% મતદાન નોંધાયું હતું અને આ બેઠક માટેનું મતદાન ચૂંટણીના તબક્કા 1માં 9 ડિસેમ્બર, 2017ના રોજ યોજાયું હતું.

આ બેઠક પરથી 2017 માં કૉંગ્રેસના સોમા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને હરાવ્યા હતા. જોકે રાજ્યસભાની ચૂંટણી પહેલાં સોમા પટેલે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભાની આ બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારો નિર્ણાયક ગણાતા હતા. પેટા ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રધાન રહેલા કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે યુવા નેતા ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં કિરીટ સિંહ રાણા વિજેતા થયા અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું.

મતદારોની સંખ્યા
61 વિધાનસભા ક્રમાંક ધરાવતી લીંબડી વિધાનસભામાં કુલ 2 ,87,549 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાતાઓમાં 1,51,113 પુરુષ મતદારો છે. જ્યારે 1,36,432 મહિલા મતદાતા અને અન્ય 4 મતદારોનો સમાવેશ થાય છે.

જાતીગત સમીકરણ
સુરેન્દ્રનગર જીલ્લામાં કોળી પટેલ મતદારોની સંખ્યા વધારે છે. અહીં અન્ય સમાજના લોકોનુ પણ પ્રભુત્વ જોવા મળે છે જેની પણ અવગણના કરી શકાય તેમ નથી. જો કે આ બેઠક જીતવા માટે કોળી પટેલ સમાજને સાથે રાખવા ખૂબ અગત્યના પુરવાર થઈ શકે છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. ભાજપ અને કોંગ્રેસના મતોનું વર્ગીકરણ કરવા આમ આદમી પાર્ટી મેદાને છે.

    follow whatsapp