અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ હિન્દુત્વનું રાજકારણ શરૂ થયું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરુ થઈ ચૂક્યું છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં આમ આદમી પાર્ટીનો વિરોધ કરતા બેનર લાગ્યા છે. જેમાં કેજરીવાલને મુસ્લિમ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં 5 ઓક્ટોબરે દિલ્હીના સમાજ કલ્યાણ પ્રધાન રાજેન્દ્રપાલ ગૌતમ બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં ગયા હતા, ત્યાં તેમની ઉપસ્થિતિમાં લોકોને શપથ અપાવાઈ કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓની પૂજા નહીં કરે અને ઈશ્વરને પણ નહીં માને. બૌદ્ધ ધર્મનો આ કાર્યક્રમ વિજયાદશમીના દિવસે કરોલબાગના આંબેડકર ભવનમાં યોજાયો હતો. મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિંદુ દેવી-દેવતાઓ પરના નિવેદન બાદ AAPની ભારે નિંદા થઈ રહી છે. રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના વિરોધમાં પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવી રહ્યાં છે.. ‘હિન્દુ દેવતાને ભગવાન માનીશ નહીં’ નું પોસ્ટરમાં લખાણ સાથેના બેનર્સે ચોકે ને ચોરે લગાતા સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે.
શું લખ્યું બેનરમાં
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બેનરોમાં સાથે અરવિંદ કેજરીવાલનો ફોટો પણ મુકવામાં આવ્યો છે. તો રાજકોટમાં લગાવાયેલા પોસ્ટરોમાં લખ્યું છે કે, હું શ્રાદ્ધ પિંડદાન કે કોઈ હિંદુ ક્રિયાઓ કરીશ નહીં.તો ગાંધીનગરમાં જે પોસ્ટર લગાવાયા છે તેમાં કેજરીવાલના ફોટા સાથે લખવામાં આવ્યું છે કે હું હિંદુ ધર્મને પાગલપન માનુ છું. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીટાણે ફરી એકવાર હિંદુત્વની લહેર ઉભી થઈ રહી છે.
વિવાદનો વંટોળ ગુજરાત સુઘી પહોંચ્યો
આમ આદમી પાર્ટી જે લોકપ્રિયતાથી ગુજરાતમાં છવાઈ રહી હતી. તેમાં થોડાઘણા અંશે બ્રેક લાગી રહી છે.. AAP નેતાના ધર્માંતરણ વિવાદનો વંટોળ ગુજરાત સુઘી પહોંચ્યો છે. ગુજરાત ભાજપના તમામ નેતાઓ મોકો જોઈને ચોકો ફટકારી રહ્યાં છે. અરવિંદ રૈયાણી, જીતુ વાઘાણી, યજ્ઞેશ દવે સહિતના નેતાઓએ એ કેજરીવાલને આડે હાથ લીધા હતા. દિલ્હી સરકારના મંત્રીના ધર્માંતરણના વિવાદને પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
જીતુ વાઘાણીએ કર્યા આપ પર પ્રહાર
ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ AAP નેતા પર વાર કરતા કહ્યું કે, AAPના ચાવવાના અને બતાવવા દાંત અલગ છે, કેજરીવાલની નાટક મંડળીનો ચહેરો ખુલ્લો પડ્યો છે, AAPએ હિન્દુ સમાજ પર થૂંકવાનું કામ કર્યું છે, તો બીજી તરફ જીતુ વાઘાણીએ ચેતવણી આપતા કહ્યું કે, જનતાની લાગણીઓ સાથે રમત કરવાનું બંધ કરો અને હિન્દુ સમાજની સહનશક્તિની પરીક્ષા ન લો, વધારે પરીક્ષા લેશો તો સહન નહીં કરી શકો.
યજ્ઞેશ દવેએ કર્યા પ્રહાર
આ મામલે યજ્ઞેશ દવેએ પણ ટ્વિટ કરીને લખ્યું છે કે, દિવસમાં ત્રણ થી પાંચ પ્રેસ કોન્ફરન્સ કરવાવાળા રેવડીલાલ એન્ડ કંપનીના ગુજરાત તથા દિલ્હીના પ્રવક્તાઓ ક્યાં છુપાઈ ગયા અને હજુ કોઈ એક્શન લેવાતા નથી ..મતલબ એ સ્પષ્ટ છે કે, ભારતીય સંસ્કૃતિ ખતમ કરવાનું ભારતીય વિચારધારાની વિરુદ્ધના દેશો સાથે મળીને ઠગ રેવડિલાલ ની કંપનીનું કાવતરું છે.
રાજેન્દ્ર પાલે માંગી માફી
જો કે વિવાદનો સૂર ઉઠ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા રાજેન્દ્ર પાલે યુ-ટર્ન પણ લીધો છે.. હિન્દુ દેવી-દેવતાઓને ન માનવાની શપથ લેવડાવનારા દિલ્લી સરકારના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે હવે યુ-ટર્ન લીધો છે. ચારેબાજુથી ટીકાનો વરસાદ થતાં હવે તેમણે લોકોની માફી માગી છે અને ભાજપ પર ખોટી અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.. તેમણે કહ્યું કે- હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું. હું વ્યક્તિગત રીતે તમામ દેવી-દેવતાઓનું સન્માન કરું છું. અને ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું કે કોઈ કર્મ કે વચનથી દેવી-દેવતાઓનું અપમાન કરું. મેં કોઈની પણ આસ્થા પ્રત્યે કોઈપણ શબ્દ નથી ઉચ્ચાર્યો. હું સૌની આસ્થાનું સન્માન કરું છું.. મેં તો મારા ભાષણમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, મોંઘવારી અને સામાજિક સમાનતા પર પોતાની વાત રજૂ કરી હતી. પરંતુ ભાજપવાળા મારા વિશે ખોટી અફવા ફેલાવે છે.. હું ભાજપવાળાની આ હરકતથી ખૂબ હેરાન છું અને એ તમામ લોકોની હાથ જોડીને માફી માગું છું જેમને ભાજપના આ દુષ્પ્રચારના કારણે કોઈપણ પ્રકારની પીડા થઈ છે.
ADVERTISEMENT