સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: મોરબી ઝુલતા પુલ તુટવાની દુર્ઘટનામાં સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર રહેતા યુવક અને તેના બનેવીનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. છ માસ પહેલા જ યુવકના લગ્ન થયાં હતા અને બહેનના ઘરે ફરવા ગયાં હતાં જ્યાં બહેન અને પત્નિની નજર સામે જ યુવક અને તેના બનેવીનું મોત થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું છે.
ADVERTISEMENT
છ માસ પહેલા થયા હતા લગ્ન
મોરબી ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. મચ્છુ નદી ફરી એક વાર ઘાતક સાબિત થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના પણ એક યુવાનનું મોત થયું છે. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શક્તિનગર વિસ્તારમાં રહેતા આનંદભાઇ મનસુખભાઇ સિંધવના લગ્ન છ માસ અગાઉ જીનલબેન સાથે થયં હતાં.આનંદભાઇના બહેન નિરૂપમાબેન રાહુલભાઇ વાઘેલા મોરબી રહેતા હોય આનંદભાઇ અને તેમના પત્નિ જીનલબેન નવા વર્ષમાં મોરબી બહેનને મળવા ગયાં હતાં જ્યાંથી સાંજે બહેન બનેવી સાથે પ્રથમ મોરબી મણીમંદીર અને ત્યાર બાદ ઝુલતા પુલ પર ફરવા ગયાં હતાં.
બાળકના કારણે બાકીનો પરિવાર બચ્યો
પરિવારના તમામ લોકો ઝુલતા પુલ પર જવાના હતાં પરંતુ આનંદભાઇનો ભાણેજ નાનો હોય ઝુલતા પર તેને ડર લાગતો હોય આનંદભાઇના બહેન નિરૂપમાબેન અને તેમની પત્નિ જીનલ ભાણેજ સાથે નીચે ઉભા હતાં જ્યારે આનંદભાઇ અને તેમના બનેવી રાહુલભાઇ વાઘેલા ઝુલતા પુલ પર ગયં હતાં. ત્યારે આ દુર્ઘટના સર્જાતા પળવારમાં જ જીનલબેન અને નિરૂપમાબેન બન્નેની નજર સામે તેમના પતિ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં.
પરિવારે કરી આ માંગ
પુલ તુટવાની ઘટના અંગે તેમણે તાત્કાલિક સુરેન્દ્રનગર પરિવારજનોને જાણ કરતા સુરેન્દ્રનગરથી પરિવારજનો મોરબી દોડી ગયાં હતાં જ્યાં રાત્રીના લગભગ બે વાગ્યે સાળા બનેવી બન્નેના મ્રુતદેહો મળી આવ્યા હતાં. એક જ પરિવારમાં બે યુવાનોના મોત થતાં પરિવારજનો સહીત સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે. ત્યારે દુર્ઘટના માટે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે.
ADVERTISEMENT