ભરૂચમાં ભાજપના સંભવિત ઉમેદવારની યાદી થઈ વાઇરલ, ભાજપ પણ અજાણ

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો બહાર આવી રહ્યા છે. પોતે પ્રબળ દાવેદાર છે તેવી…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો બહાર આવી રહ્યા છે. પોતે પ્રબળ દાવેદાર છે તેવી વાતો લોકો અને પક્ષ સુધી પહોંચાડવાના વિવિધ પેતરા કરી રહ્યા છે. ત્યારે ભરૂચમાં ભાજપના સંભવિત ઉમેદવારની યાદી બહાર પડતાં અનેક અટકળો તેજ થઈ છે. આ સાથે જ આ મામલે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લાની જંબુસર અને વાગરા વિધાનસભાના સંયુક્ત સંભવિત ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વાયરલ થયેલા પત્રમાં કોઈ સત્યતા નથી. કેટલાક મહત્વકાંક્ષી લોકોએ આ કૃત્ય કર્યું છે. આ યાદી સંપૂર્ણપણે ખોટી અને હકીકતથી ઘણી દૂર છે. સાંસદ મનસુખ વસાવાએ નાંદોદ વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ની 4 યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ભાજપ સત્તા ટકાવવા મેદાને ઉતરશે જ્યારે કોંગ્રેસ 27 વર્ષના સત્તા વનવાસને દૂર કરવા મેદાને ઉતરશે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની ચાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

    follow whatsapp